SURAT

વેપારીને ગુગલ-મેપમાં સુરતથી ભાવનગર જવાનો રસ્તો જોવાનું ભારે પડી ગયું

સુરત : વરાછાના (Varacha) ચીકુવાડી પાસે સીએનજી (CNG) પંપ નજીક ગુગલ-મેપમાં (Google Map) ભાવનગર (Bhavnagar) જવાનો રસ્તો જોઇ રહેલા એલ્યુમિનિયમના વેપારીના હાથમાંથી નંબર વગરની મોટરસાઇકલ ઉપર આવેલા બે અજાણ્યા રૂા. 80 હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુળ બોટાદના બરવાળાના ખાંભડા ગામના વતની અને સુરતમાં વરાછા ચીકુવાડી પાસે સ્નેહમિલન બંગ્લોઝમાં રહેતા દર્શનભાઇ ઇશ્વરભાઇ ચલોડીયા કાપોદ્રાની શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં નેશનલ એલ્યુમિનિયમના નામથી ભાગીદારીમાં વેપાર કરે છે. ચાર મહિના પહેલા દર્શનભાઇએ રૂા. 80 હજારની કિંમતનો સેમસંગ એસ-22 અલ્ટ્રા મોબાઇલની ખરીદી કરી હતી. દર્શનભાઇ તેમજ તેમના કાકા વિપુલભાઇ ધંધાકીય કામ માટે ભાવનગર જવાના હતા. વિપુલભાઇ અડાજણથી આવવાના હોવાથી તેઓએ દર્શનભાઇને વરાછા-ચીકુવાડી પાસે સીએનજી પંપ નજીક ઊભા રહેવા કહ્યું હતું.

રવિવારે સવારના સાડા છ વાગ્યાના અરસામાં દર્શનભાઇ સીએનજી પંપ પાસે ઊભી રહીને ભાવનગર જવાનો રસ્તો ગુગલ-મેપમાં જોઇ રહ્યા હતા. આ દરમિયાન વરાછા તરફથી એક નંબરપ્લેટ વગરની કાળા કલરની મોટરસાઇકલ લઇને બે ઇસમો આવ્યા હતા, તેઓએ દર્શનભાઇની પાસે બાઇક હંકારીને તેમના હાથમાંથી રૂા. 80 હજારની કિંમતનો સેમસંગ મોબાઇલ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. આ બાબતે દર્શનભાઇએ સુરત પોલીસ વિભાગની ઇ-એફઆઇઆરમાં ફરિયાદ કરી હતી, પરંતુ આરોપી મળી નહીં આવતા આખરે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સ્ટેશનરીની એજન્સી લેવાના ચક્કરમાં ઝેરોક્ષના દુકાનદારે 3.65 લાખ ગુમાવ્યા
સુરત : ભાઠેનામાં રહેતા અને સોસીયો સર્કલ પાસે ઝેરોક્ષના દુકાનદારે ઓનલાઈન ફોર્મ ભરીને સ્ટેશનરીની એજન્સી લેવાના ચક્કરમાં 3.65 લાખ રૂપિયા ગુમાવતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. ભાઠેના ખાતે પુષ્પાનગરમાં રહેતો 27 વર્ષીય વિકાસ હસમુખભાઈ પટેલ ઉધના મગદલ્લા રોડ પર ન્યુ આશીર્વાદ સ્કવેરમાં ઝેરોક્ષની દુકાન ધરાવે છે. મે 2022 માં તેણે સ્ટેશનરીની એજન્સી લેવા માટે ઓનલાઈન આઈટીસી લિ. વેબસાઈટ પર ફોર્મ ભરી સબમીટ કર્યું હતું. ફોર્મ સબમીટ કર્યાના બે દિવસ પછી તેને સામેથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેના કહ્યા મુજબ પ્રોસીજર કરવા કહ્યું હતું. જેથી તેણે આપેલા ઇમેઈલ આઈડી પર મેઈલ આવ્યો હતો. જેમા તેને એજન્સી લેવા માટે પેમેન્ટ કરવા સૂચના આપી હતી. પહેલા સિક્યોરિટી ડિપોઝીટ પેટે 25 હજાર ભરાવ્યા હતા. જે કોટક મહિન્દ્રામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે 2.50 લાખ, 90 હજાર મળીને કુલ 3.65 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. જેથી ખટોદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ ત્રિપાઠી, સૌરભ અને એક અજાણ્યા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top