Gujarat

ગુગલ રાજ્યમાં દર વર્ષે પચાસ હજાર મહિલા, વિદ્યાર્થી અને યુવા સાહસિકોને ટ્રેનિંગ આપશે

ગાંધીનગર : સોફ્ટવેર (Softwere) ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ (Google) સાથે બુધવારે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. (MOU) કર્યા હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી. આ એમ.ઓ.યુ.ના કારણે ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને સીધો લાભ મળશે. ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી લોકોમાં સામાજિક-આર્થિક પરિવર્તન આવશે. દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને તેની તાલિમ આપવામાં આવશે.

એટલું જ નહિ ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ સાક્ષરતા વધારવા સાથે બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ- સ્કીલને વધુ વેગ મળે તે માટેના તાલિમ સત્રોનું આયોજન કરવામાં આવશે. ગુગલના વાઇસ પ્રેસિડેન્ટ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે સુદ્રઢ આઈ.સી.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી 2022-27 ઘડી છે, તેમ જ આ પોલિસીએ આઈ.ટી. ઉદ્યોગના સમગ્ર લેન્ડસ્કેપમાં આકર્ષણ ઊભું કર્યું છે તેની વિસ્તૃત વિગતો આ પ્રસંગે આપી હતી.

પટેલે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર પણ હોય તેવા નિર્ધાર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની જે નેમ રાખી છે તેને રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલ થી સાકાર કરી છે. તેમણે ગુજરાત સાથે ગુગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગુગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તેમણે ખાતરી આપી હતી.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે ગુગલ સાથે આ અગાઉ કરેલા એમ.ઓ.યુ. અન્વયે ત્રણ પહેલ બી ઈન્ટરનેટ ઓસમ (Be Internet Awesome), વીમેન વીલ(Women Will) અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા તાલિમ કાર્યક્રમોનો 10 હજારથી વધુ મહિલાઓ, શાળાના બાળકો, યુવા ડેવલપર્સે લાભ મેળવ્યો છે.

આ પ્રસંગે ગુગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલા સર્વગ્રાહી વિકાસ અને ખાસ કરીને સાયન્સ સિટીની ગતિવિધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત યુવા ઉદ્યોગસાહસિકો માટે કેન્દ્રબિંદુ છે, ત્યારે ગુજરાત સાથેની આ સહભાગીતાથી ગુગલ વિશ્વ સર કરવા ઉત્સુક છે. સંજય ગુપ્તાએ બાળકો અને મહિલાઓને ઉજ્જવળ ભવિષ્યના પાયા ગણાવતાં એમ પણ કહ્યું કે, ગુજરાતમાં છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલા આઈ.ટી. નેટવર્કનો બહોળો લાભ આ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી દિશા-નવું બળ આપશે.

Most Popular

To Top