વલસાડ : વલસાડમાં (Valsad) રહેતા અને વાપીમાં (Vapi) દુકાન ચલાવતા એક વરિષ્ઠ નાગરિકનું ઇકાર્ટમાંથી પાર્સલ આવ્યું ન હતું. જેની ઇન્કવાઇરી કરવા તેમણે ગુગલ (Goggle) પર સર્ચ કરતા ખોટો નંબર મળ્યો હતો. આ નંબર સાઇબર ઠગનો હતો. જેઓ વરિષ્ઠ નાગરીકને ઉલ્લુ બનાવી તેમની પાસેથી રૂ. 28,396 સેરવી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીમાં ઇલેક્ટ્રિક અને મિકેનિક વેઇંગ ઇક્વિપમેન્ટ રિપેરીંગની દુકાન ચલાવતા વલસાડ મુલ્લાવાડીના રહીશ દેવેન્દ્રભાઇ મેઘરાજભાઇ શરીન (ઉ.વ.64)નું ઇકાર્ટમાંથી એક પાર્સલ આવવાનું હતું. આ પાર્સલ તેમને સમયસર નહીં મળતાં તેમણે તેની ઇન્કવાઇરી માટે ગુગલ પરથી ઇ કાર્ટનો નંબર નાખ્યો હતો. જેમાં પ્રથમ નંબર ઇકાર્ટના નામે સાઇબર ઠગોનો હતો. જેના પર દેવેન્દ્રભાઇએ કોલ કરતા સાઇબર ઠગોએ તેમને વાતમાં ભોળવી પહેલાં તેમની પાસેથી રૂ. 5 જમા કરાવવાના બહાને તેના ક્રેડિટ કાર્ડનો નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ તેના મોબાઇલમાં એની ડેસ્ક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેના એકાઉન્ટમાંથી બે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ 28,396 તેમની જાણ બહાર ઉપાડી લીધા હતા. આ ઘટનાની જાણ થતાં દેવેન્દ્રભાઇએ વલસાડ સાઇબર પોલીસ મથકે આ સંદર્ભે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોઇ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલાં ચકાસો
જામતાડા ફેઇમ સાઇબર ઠગો હવે ઠગાઇ માટે ઓટીપી નંબર નથી માંગતા. તેઓ કોઇને કોઇ રીતે મોબાઇલમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. જેના થકી તેઓ જે તે વ્યક્તિનો મોબાઇલ હેક કરી લે છે અને તેના મોબાઇલ પર આવતા ઓટીપી જાતે જ જોઇને પૈસા ઉપાડી લેતા હોય છે. જેનાથી ચેતવું જરૂરી બન્યું છે.
અંકલેશ્વર ના સુરવાડી ગામે તસ્કરો ત્રાટક્યા, રૂ. 5.55 લાખની મત્તા ની ચોરી
અંકલેશ્વર : અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગરના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 5.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે. જેઓ ગત તારીખ 29 ઓક્ટોબરની રાત્રિએ કીમ ખાતે તેઓની બહેનના ઘરે ગયા હતાં.
આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ 4.95 લાખ મળી કુલ 5.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે ચોરીના બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.