Business

ગૂગલે ભારતીય યુટ્યુબર્સને ત્રણ વર્ષમાં 21,000 કરોડ આપ્યા

ભારતમાં યુટ્યુબની લોકપ્રિયતા સતત વધી રહી છે. લાખો કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ માત્ર મનોરંજનનું જ નહીં પરંતુ રોજગારી અને આવકનું પણ મોટું માધ્યમ બની ગયું છે. યુટ્યુબના સીઈઓ નીલ મોહનના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કલાકારો અને મીડિયા કંપનીઓને કુલ રૂ. 21,000 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. તેમણે વધુમાં આ પણ કહ્યું કે આગામી બે વર્ષમાં યુટ્યુબ ભારતીય ક્રિએટર્સના અર્થતંત્રમાં રૂ.850 કરોડનું વધારાનું રોકાણ કરશે.

નીલ મોહને આ વર્ષે મે મહિનામાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે યુટ્યુબે ભારતમાં ક્રિએટર્સને વૈશ્વિક દર્શકો સાથે જોડાવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાના બહુ ઓછા દેશો એવા છે જેમણે આ તકનો ભારત જેટલો અસરકારક ઉપયોગ કર્યો છે.

ભારતીયોમાં યુટ્યુબની લોકપ્રિયતા અંગે તેમણે આંકડા પણ રજૂ કર્યા હતા. ગયા વર્ષે માત્ર ભારતમાં જ 10 કરોડથી વધુ ચેનલો અપલોડ કરવામાં આવી હતી. જેમાંથી 15 હજારથી વધુ ક્રિએટર્સએ 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો પાર કર્યો હતો. આથી સાબિત થાય છે કે ભારતમાં યુટ્યુબ સર્જકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તેઓ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે.

સીઇઓ મોહને કહ્યું કે યુટ્યુબ માત્ર આવકનું સ્રોત જ નથી પરંતુ તે લોકોને તેમની પ્રતિભા રજૂ કરવાની તક પણ આપે છે. સંગીત, કોમેડી, ટેક્નોલોજી, શિક્ષણ અને સમાચાર જેવા અનેક ક્ષેત્રોમાં ભારતીય સર્જકો યુટ્યુબ મારફતે કરોડો લોકો સુધી પહોંચી રહ્યા છે.

સાથે જ તેમણે ભવિષ્યમાં વધુ રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે. મે મહિનામાં મોહને જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં યુટ્યુબ ભારતીય ક્રિએટર્સના અર્થતંત્રમાં રૂ.850 કરોડનું વધારાનું રોકાણ કરશે. આ રોકાણથી ભારતીય ક્રિએટર્સને વધુ સાધનો, તકનીકી સહાય અને વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે વધુ તકો મળશે.

આ રીતે યુટ્યુબ માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યું પરંતુ તે ભારતના લાખો યુવાનો માટે રોજગાર અને સફળતાનો રસ્તો સાબિત થઈ રહ્યું છે.

Most Popular

To Top