નવી દિલ્હી: દેશના પહેલા સુર્ય મિશન (Sun mission) આદિત્ય-L1નું (Aditya-L1) આજે બુધવારે એક મોટું અપડેટ સામે આવ્યું હતું. અસલમાં આદિત્ય-L1 એ ગઇકાલે મંગળવારના રોજ સૂર્ય-પૃથ્વી L1 બિંદુની આસપાસ તેની પહેલી હેલોમંડળ ભ્રમણકક્ષા (orbit) પૂર્ણ કરી હતી. આ મામલે સ્પેસ એજન્સી ISROએ માહિતી આપી હતી. તેમજ દેશવાસીઓને સારા સમાચાર આપ્યા હતા.
અવકાશ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે અવકાશયાનને તેની બીજી ભ્રમણકક્ષામાં સારી રીતે ભ્રમણ કરવામાં મદદ મળે તે માટે સંક્રમણની ભ્રમણકક્ષામાં ફેરબદલ કરવામાં આવી હતી. જણાવી દઇયે કે આદિત્ય-L1 મિશન એ લેગ્રાંગિયન પોઈન્ટ L1 પર સ્થિત એક ભારતીય સૌર વેધશાળા છે. જે 2 સપ્ટેમ્બર 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 6 જાન્યુઆરી 2024 ના રોજ તેની નિશ્ચિત હેલો ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.
ઈસરોએ શું કહ્યું?
ઈસરોના જણાવ્યા મુજબ હેલોમંડળની ભ્રમણકક્ષામાં આદિત્ય-L1 અવકાશયાનને L1 બિંદુની આસપાસ એક રાઉન્ડ પૂર્ણ કરવામાં 178 દિવસનો સમય લાગે છે. ISROએ કહ્યું કે હેલોમંડળની ભ્રમણકક્ષામાં અવકાશયાનની મુસાફરી દરમિયાન આદિત્ય-L1 અવકાશયાન વિવિધ પ્રતિકૂળ દળોના સંપર્કમાં આવશે, જેના કારણે તે લક્ષિત ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જશે.
એજન્સીના જણાવ્યા મુજબ, “આ ભ્રમણકક્ષાને જાળવવા માટે આદિત્ય-એલ1 ને અનુક્રમે 22 ફેબ્રુઆરી અને 7 જૂને બે વાર ફેરફાર કરવામાં આવ્યો હતો. આજના ત્રીજા ફેરફાર એ સુનિશ્ચિત કર્યું હતું કે તેની મુસાફરી L1 ની આસપાસની બીજી હેલોમંડળ ભ્રમણકક્ષામાં ચાલુ રહે છે.” ISRO એ કહ્યું, ”આજના ફેરબદલ સાથે, આદિત્ય-L1 મિશન મોબિલિટી સોફ્ટવેર માટે URSC-ISRO ખાતે અત્યાધુનિક ફ્લાઇટ વિકસાવવામાં આવી છે. જેને હવે સંપૂર્ણપણે સ્થાપિત કરવામાં આવે છે.
સોલાર મિશન ‘આદિત્ય’માં સાત પેલોડ ઇન્સ્ટોલ કરાયા
જણાવી દઈએ કે આ મિશન પાછળ ઈસરોના ઘણા ઉદ્દેશ્ય છે. જેમ પૃથ્વી પર ધરતીકંપ આવે છે તેમ સૌર ધરતીકંપો પણ થાય છે જેને કોરોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે. સૌર સ્પંદનોનો અભ્યાસ કરવા માટે સૂર્યનું અવલોકન જરૂરી છે. ભારતનું પ્રથમ સૌર મિશન ‘આદિત્ય’ સૂર્યના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની શોધ કરવા માટે સાત પેલોડ ધરાવે છે.
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 છે
આદિત્ય-L1 એ સૂર્યનું અવલોકન કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન છે, જેને ખાસ કરીને જ્યારે સૂર્ય સક્રિય હોય ત્યારે શું થાય છે તે સમજવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ 400 કરોડના ખર્ચે આ સૌર વેધશાળા બનાવવામાં આવી છે. ત્યારે ISRO એ ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે પોતાના લોન્ચ વ્હીકલ PSLV-C57 થી આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું હતું.