આજ રોજ તા.16 જુલાઇ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જેમાં પહેલા નિર્ણયમાં કૃષિ ક્ષેત્રને મજબૂતી આપવાના દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ યોજના “પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના”ને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવકમાં વધારો લાવવો અને કૃષિ સંબંધિત વિવિધ સેવાઓના એકીકરણ દ્વારા કૃષિ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ નિર્ણય આશાજનક માનવામાં આવી રહ્યો છે.
મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે આ યોજનાને રૂ. 24,000 કરોડના ખર્ચ સાથે અમલમાં મૂકવામાં આવશે. આ યોજનાના અંતર્ગત કુલ 36 વિવિધ કૃષિ સહાયક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશભરના આશરે 1.7 કરોડ ખેડૂતોને સીધો લાભ પહોંચાડશે.
આ પગલાથી ખેડૂતોને આર્થિક સમર્થન મળશે, સાથે સાથે ખેતી માટે જરૂરી સાધનો, ટેકનોલોજી અને આધારભૂત માળખું ઉપલબ્ધ થશે. મંત્રીમંડળે આ નિર્ણયો કૃષિ અર્થતંત્ર અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નવી આશાઓ જમાવતી યોજનાઓ તરફના પગલા ગણાવ્યા છે.