તહેવારોની મોસમમાં મુસાફરોના વધતા ધસારાને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વેએ મુસાફરોને મોટી રાહત આપી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે “રાઉન્ડ ટ્રીપ પેકેજ” નામની નવી યોજના શરૂ કરી છે, જેના હેઠળ મુસાફરો જો આવવા-જવાની બંને ટિકિટ એકસાથે બુક કરશે તો પરત મુસાફરીના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.
દેશભરમાં તહેવારો દરમિયાન લગભગ દરેક રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળે છે. ઘણી વખત લોકોને ઊભા રહીને લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. આવી પરિસ્થિતિથી રાહત આપવા માટે આ નવી યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ મુસાફરોને સસ્તી મુસાફરીની સુવિધા આપવાનો છે અને સાથે સાથે અલગ અલગ દિવસોમાં મુસાફરોની ભીડને વિતરણ કરવાનો છે જેથી મુસાફરી વધુ આરામદાયક બને.
કોણ લઈ શકે છે લાભ?
આ યોજના હેઠળ લાભ ફક્ત તે મુસાફરોને મળશે, જેઓ એક જ નામ અને વિગતો સાથે આવવા-જવાની બંને ટિકિટ બુક કરશે. બંને ટિકિટ એક જ વર્ગમાં અને એક જ સ્ટેશન જોડી (OD પેયર) માટે હોવી જોઈએ. આવવાની ટિકિટ તા.13 ઑક્ટોબરથી 26 ઑક્ટોબર 2025 વચ્ચેની મુસાફરી માટે માન્ય રહેશે, જ્યારે જવાની (રિટર્ન) ટિકિટ તા.17 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની મુસાફરી માટે માન્ય રહેશે.
બુકિંગની શરતો અને નિયમો
આ યોજના હેઠળ પહેલા આવવાની ટિકિટ બુક કરાવવી પડશે અને પછી કનેક્ટિંગ જર્ની ફીચરનો ઉપયોગ કરીને પરત મુસાફરીની ટિકિટ બુક કરવી પડશે. રિટર્ન ટિકિટ બુક કરતી વખતે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) નો નિયમ લાગુ નહીં પડે. શરત એ છે કે બંને ટિકિટ કન્ફર્મ હોવી જોઈએ.
એકવાર બુક કરાયેલી ટિકિટમાં ફેરફાર શક્ય નહીં હોય અને રિફંડની સુવિધા પણ ઉપલબ્ધ નહીં હોય. ઉપરાંત, રિટર્ન ટિકિટ બુક કરતી વખતે અન્ય કોઈ ડિસ્કાઉન્ટ, વાઉચર, પાસ, PTO અથવા રેલ મુસાફરી કૂપન લાગુ નહીં પડે.
ભારતીય રેલ્વેનો વિશ્વાસ છે કે આ પગલાંથી તહેવારોમાં ટ્રેનોમાં થતી ભારે ભીડમાં રાહત મળશે અને મુસાફરોને સસ્તી તથા અનુકૂળ મુસાફરીનો લાભ મળશે.