National

કેદારનાથના ભક્તો માટે ખુશખબર, 8 કલાકની કઠીન યાત્રા માત્ર 36 મિનિટમાં પુરી કરી શકાશે

ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાળુઓ માટે મોટી ખુશખબર છે. હવે કેદારનાથ ધામની મુશ્કેલ ચઢાણ યાત્રા વધુ સરળ બનવાની છે. સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનાવવાની યોજના અમલમાં આવી રહી છે. જે હિમાલયના ઊંચા પર્વતો વચ્ચે આધુનિક ઈજનેરીનું ઉત્તમ ઉદાહરણ બનશે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી એક વિશાળ રોપવે પ્રોજેક્ટ પર કામ શરૂ થવા જઈ રહ્યું છે. ભારત સરકારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અદાણી ગ્રુપને સોંપ્યો છે. આ રોપવેનો કુલ ખર્ચ અંદાજે રૂ. 4,081 કરોડ થશે. દરિયાઈ સપાટીથી લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ બનનારો આ રોપવે પર્યાવરણીય અને ટેકનિકલ રીતે એક મોટો પડકાર હશે.

હાલમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધીની યાત્રા 21 કિમી ચાલીને પૂરી કરવાની રહે છે. જેમાં 7 થી 8 કલાક લાગી જાય છે. પરંતુ રોપવે શરૂ થયા પછી યાત્રાળુઓને ફક્ત 36 મિનિટમાં અંતર પૂરું થઈ જશે. આ પ્રોજેક્ટ 2032 સુધીમાં કાર્યરત થવાનો અનુમાન છે.

હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર પ્રશાંત જૈનએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં આ રોપવે માટે એલાઇનમેન્ટ સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ હવે અદાણી ગ્રુપ દ્વારા નવો સર્વે હાથ ધરવામાં આવશે અને કામ એપ્રિલ 2026 સુધી શરૂ થશે.

આ રોપવે વિશ્વનો પહેલો એવો પ્રોજેક્ટ હશે જેમાં ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ટેક્નોલોજી સાથે 50 ગોંડોલા હશે. દરેક ગોંડોલામાં 36 સીટ હશે અને તે 11 કલાક દૈનિક ચાલશે. જેના માધ્યમથી દરરોજ લગભગ 1800 યાત્રાળુઓ મુસાફરી કરી શકશે.

સમગ્ર રૂટમાં 22 ટાવર અને 5 સ્ટેશનો હશે. સોનપ્રયાગ, ગૌરીકુંડ, ચિરબાસા, લિંચોલી અને કેદારનાથ. જેમાં ચિરબાસા અને લિંચોલી ટેકનિકલ સ્ટેશનો તરીકે કામ કરશે. ખાસ કરીને આપત્તિની પરિસ્થિતિમાં મદદરૂપ થશે.

આ પ્રોજેક્ટ માત્ર આધ્યાત્મિક યાત્રાળુઓ માટે નહીં પરંતુ ઉત્તરાખંડના પર્યટન અને અર્થતંત્ર માટે પણ ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે.

Most Popular

To Top