ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત શહેરોમાં મેટ્રો સેવા વધુ ઝડપી અને સુવિધાજનક બનાવવા માટે કુલ 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેમાંમાંથી 10 ટ્રેનો અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે અને 24 ટ્રેનો સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે. નવી ટ્રેનો ઉમેરાતા મુસાફરોને ટ્રેન માટે ઓછો સમય રાહ જોવી પડશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. આ મેટ્રો ટ્રેનો વિદેશથી આયાત કરવાને બદલે ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. કોલકાતામાં આવેલી ટીટાગઢ કંપનીની આધુનિક ફેક્ટરીમાં તેનું ઉત્પાદન થશે. આ નિર્ણય ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂત બનાવે છે. દેશમાં જ ટ્રેનો બનાવવાથી વિદેશી ચલણની બચત થશે અને સ્થાનિક સ્તરે રોજગારી તથા કૌશલ્ય વિકાસની નવી તકો પણ ઊભી થશે.
અમદાવાદમાં હાલ અમદાવાદ-ગાંધીનગર કોરિડોર પર 68.2 કિલોમીટર લાંબું મેટ્રો નેટવર્ક કાર્યરત છે અને તેમાં 32 ટ્રેનો દોડે છે. હવે વધુ 10 ટ્રેનો ઉમેરાતા મેટ્રોની ફ્રીકવન્સી વધશે. ખાસ કરીને ઓફિસ અને કોલેજના પીક અવર્સ દરમિયાન મુસાફરોને ઝડપથી ટ્રેન ઉપલબ્ધ થશે અને ભીડમાં રાહત મળશે. બીજી તરફ સુરતમાં 40.3 કિલોમીટર લાંબા મેટ્રો નેટવર્કનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સુરત માટે 24 નવી ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરતના લોકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે અને શહેરમાં મુસાફરી વધુ સરળ બનશે.
ગુજરાત સરકારનું ભવિષ્ય માટેનું વિઝન પણ વિશાળ છે. હાલ રાજ્યમાં લગભગ 108 કિલોમીટર મેટ્રો નેટવર્ક છે, જેને આગામી વર્ષોમાં વધારીને 190 કિલોમીટર સુધી પહોંચાડવાની યોજના છે. તેમાં એરપોર્ટને જોડતી 6.04 કિલોમીટર લાંબી વિશેષ લાઈન પણ સામેલ છે. ઉપરાંત રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ મેટ્રો સેવા શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. આ નવી મેટ્રો ટ્રેનો અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે. તેમાં ડ્રાઇવરલેસ સિસ્ટમ, ઓટોમેટિક બ્રેકિંગ, સ્પીડ કંટ્રોલ, ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ, અવરોધ ઓળખી ટ્રેન રોકી દેતી ટેક્નોલોજી, સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક ફાયર ડિટેક્શન જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવશે. ગુજરાતમાં એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દાહોદમાં બનતું 9000 HP લોકોમોટિવ એન્જિન પ્લાન્ટ અને નમો ભારત ટ્રેન જેવા પ્રોજેક્ટ સાથે રાજ્ય ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત આગળ વધી રહ્યું છે. નવી મેટ્રો ટ્રેનોનો આ ઓર્ડર પણ રાજ્યના શહેરી પરિવહન વિકાસ તરફનું મહત્વનું પગલું માનવામાં આવે છે.