નવી દિલ્હી: છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં (Price) સતત ઘટાડો થઈ રહ્યો છે. જેનું એક કારણ સરકારે બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીનો ઘટાડો પણ છે, સરકારના આ નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 18 જુલાઈથી 25 જુલાઈ સુધી સોનાની કિંમતમાં 5,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. આ કિંમત 24 કેરેટ સોનાની છે. એ જ રીતે 18 જુલાઈના રોજ ચાંદીની કિંમત 91,555 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 25 જુલાઈની બપોરે 81,801 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. આમ, ચાંદીના ભાવમાં પણ છેલ્લા છ દિવસમાં 9,754 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાતોના મતે સોના અને ચાંદીના ભાવમાં તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ 23 જુલાઈએ રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2024માં કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત છે. જ્વેલર્સ એસોસિયેશનના અધ્યક્ષ યોગેશ સિંઘલનું કહેવું છે કે આગામી સમયમાં પણ સોનાના ભાવ નરમ વલણ અપનાવશે. જો વિશ્વમાં ચાલી રહેલ તણાવ વધુ ઘટશે તો સોનાના ભાવ વધુ નીચે આવશે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ખરીદી કરવાનો સમય છે.
જ્વેલર્સ માટે વેચાણનો પડકાર
સોના અને ચાંદીના આસમાનને આંબી જતા ભાવને કારણે વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે જ્વેલર્સ ઇચ્છે છે કે સોનું અને ચાંદી સસ્તું થાય, જેથી તેમના વેચાણમાં ઝડપ આવે અને તેમનો બિઝનેસ સુધરી શકે. સોનાના ઊંચા ભાવ ઘણા સમયથી જ્વેલર્સ માટે સમસ્યા સર્જી રહ્યા છે. જેથી જ્વેલર્સ ઇચ્છે છે કે સોનું 60,000 રૂપિયા સુધી પહોંચે જેથી તે લોકો માટે પણ સોનું ખરીદવુ સરળ રહે.
25મી જુલાઈના રોજ કિંમત (બપોર સુધી)
24 કેરેટ સોનાની કિંમત – 68,177 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનાની કિંમત – 62,450 પ્રતિ 10 ગ્રામ
ચાંદીની કિંમત – 81,801 પ્રતિ કિલો
18મી જુલાઈની કિંમત (સાંજ સુધી એટલે કે બજાર બંધ થવાના સમયે)
24 કેરેટ સોનાની કિંમત – 73,979 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનાની કિંમત – 67,765 પ્રતિ 10 ગ્રામ
ચાંદીની કિંમત – 91,555 પ્રતિ કિલો
કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાનો પ્રભાવ
કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી (આયાત ડ્યુટી) અગાઉના 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવાની જાહેરાત કરી હતી, જ્યારે પ્લેટિનમ પરની આયાત જકાત હવે 15.4 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવામાં આવી છે. આ જાહેરાતોની પણ કિંમતો પર ભારે અસર પડી છે. ભાવમાં આ તીવ્ર ઘટાડો ગ્રાહકો માટે ભેટ તરીકે આવ્યો છે. અલબત્ત લગ્નની સિઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ થોડા સમય પછી તહેવારોની સિઝન શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં કિંમતી ધાતુઓમાં આ તીવ્ર ઘટાડો ખરીદી માટે સારો સમય ગણાય છે.