સોનું (Gold) ખરીદવું કોને ન ગમે. સોનાને મુસીબતનો સાથી પણ કહેવામાં આવે છે, પરંતુ વિચારો કે જ્યારે કોઈ તમારી વર્ષોની બચતમાંથી ખરીદેલા સોનાની ગુણવત્તા પર સવાલ ઉઠાવશે ત્યારે શું થશે? સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લોકોને બે નંબરવાળું ગોલ્ડ મળે છે. એવામાં કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય તો? આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર (Government) સોનાની શુદ્ધતાના પરીક્ષણની નવી રીત પર કામ કરી રહી છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના ડાયરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે સોનાના દાગીના બાદ સરકાર સોનાના બુલિયનનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. સરકારની આ પહેલથી સોનું ખરીદતી વખતે ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો ઘટશે અને લોકોને શુદ્ધ સોનું મળી શકશે.
1 જુલાઈ, 2022 થી દેશના 288 જિલ્લાઓમાં સોનાના આભૂષણો (14, 18 અને 22 કેરેટ) અને કલાકૃતિઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યાં છે. હોલમાર્ક હોય તો જ સોનાના દાગીનાની ગુણવત્તા સુનિશ્ચિત થઈ શકે તેવી સ્ટેક હોલ્ડર્સ માંગ કરી રહ્યા છે. ડ્રાફ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. સોનાના બુલિયનનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે કાચા માલ તરીકે થાય છે અને જ્વેલરીના વિશાળ જથ્થાને ધ્યાનમાં રાખીને તેની શુદ્ધતા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. BIS એ સલાહકાર જૂથની પણ સ્થાપના કરી છે, જેમાં જ્વેલર્સ, આયાતકારો, રિફાઇનર્સ અને એસેઇંગ સેન્ટરોના પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે. સલાહકાર જૂથ ડ્રાફ્ટમાંથી પસાર થશે અને સૂચન કરશે કે કોઈ ફેરફાર કરવા છે કે નહીં. આ પછી, તેના પર લોકોની સલાહ પણ માંગવામાં આવશે.
ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ઉપભોક્તા અને આયાતકાર
હોલમાર્કેડ બુલિયન દેશમાં ઉત્પાદિત થઈ રહેલા સોનાના દાગીનાની ઇચ્છિત શુદ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. BIS ડેટા અનુસાર, જુલાઈ 2022 થી ફરજિયાત હોલમાર્કિંગ અમલમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ સોનાની વસ્તુઓ હોલમાર્ક કરવામાં આવી છે. તિવારીએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 92.08 ટકા નમૂનાઓ BIS રેફરલ એસે લેબોરેટરીઓ દ્વારા ક્લિયર કરવામાં આવ્યા છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ઉપભોક્તા અને આયાતકાર છે. અહીં વાર્ષિક આશરે 700-800 ટન સોનાની આયાત થાય છે.