સુરત: આજે અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ અને રમજાન ઈદનો ત્રિવેણી સંગમ છે. આજનો દિવસ હિન્દુ પરંપરા અનુસાર, સોનાના દાગીના લેવા માટે, નવી શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક કાર્યથી લઈને તમામ ખાસ કામ કરવા માટે આખો દિવસ શુભ છે. કહેવાય છે કે, આજના દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર લોકો સોનાની ખરીદી કરી શકે છે. આજે ગુજરાતમાં એક તોલા સોનાનો ભાવ રૂ.62 હજારથી વધુ છે, છતાં લોકો શુકન સાચવવા સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. રાજ્યના તમામ શહેરોમાં સોનાનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ માત્ર અમદાવાદમાં આજે એક જ દિવસમાં આશરે 250 કિલો સોનું વેચાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.
શહેરીજનો જ્વેલરી શો-રૂમમાં સોના-ચાંદીના આભૂષણો ખરીદતાં જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના જાણીતા એક જ્વેલર્સે કહ્યું કે, ‘આગામી દિવસોમાં લગ્નની સિઝન આવી રહી છે. જેના કારણે અનેક લોકો સોનાની ખરીદી માટે અક્ષય તૃતીયાના ખાસ મુહૂર્તની રાહ જોતા હોય છે. તેની સાથે જ અનેક ગ્રાહકો એવાં પણ હોય, જે પરંપરા હોવાથી આ દિવસે શક્ય તેટલા ગ્રામ સોનાની ખરીદી કરે છે. ઉનાળાની ગરમી હોવાથી સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરવા શો-રૂમમાં પહોંચી શકે છે. આજના પવિત્ર દિવસે સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.’
કહેવાય છે કે, સોનું અક્ષય છે, એ ક્યારેય નાશ પામતું નથી. તેથી એને ખરીદો સોનાને અક્ષય માનવામાં આવે છે. જે માન્યતાના કારણે, આજે જ્વેલરીના શો-રૂમમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. હાલમાં રાજ્યમાં સોનાનો ભાવ વધીને 63,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જે અત્યારે 62,200 રૂપિયાની નજીક છે. અનેક ગ્રાહકો ફિજીકલ ગોલ્ડની જગ્યાએ ડિજિટલ ગોલ્ડનો પણ વિકલ્પ પસંદ કરતા હોય છે. હાલમાં અનેક ગ્રાહકો SIP હેઠળ ગોલ્ડમાં રોકાણ કરતા હોય છે. થોડા સમય પહેલા ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2050 ડોલર સુધી પહોંચી ગયું હતું. જેમાં 70 ડોલરનો ઘટાડો નોંધાયો છે.
અક્ષય તૃતીયા પર લોકો સોના ઉપરાંત કિંમતી ધાતુઓ, ઝવેરાત, મશીનરી અને જમીન-મકાનની ખરીદી કરે છે. આ ઉપરાંત કપડાં, વાસણો, ફર્નિચરની પણ ખરીદી કરે છે.