Trending

યુદ્ધની આગમાં ચમક્યું સોનું-ચાંદી!

એક અઠવાડિયામાં જ સોનાં ₹9,430 મોંઘું, ચાંદીમાં ₹20,000નો ઉછાળો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે બુલિયન માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી છે. અહેવાલો મુજબ ઇરાનના સુપ્રીમ લીડર અલી ખમેનેઈના મોત પછી પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ જ કારણથી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાં અને ચાંદી તરફ વળી રહ્યા છે, જેના પરિણામે કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાં 24 કેરેટ સોનાના ભાવમાં લગભગ ₹9,430નો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં લગભગ ₹20,000 પ્રતિ કિલોગ્રામનો ઉછાળો આવ્યો છે. આ તેજી દર્શાવે છે કે વૈશ્વિક રાજકીય અસ્થિરતા સીધી રીતે કોમોડિટી બજારને અસર કરી રહી છે.

આજના સોનાના તાજા ભાવ (1 માર્ચ 2026): દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં થોડો ફેરફાર જોવા મળે છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,68,710થી ₹1,73,080 વચ્ચે છે, જ્યારે 22 કેરેટ સોનું ₹1,54,630થી ₹1,58,650 વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે.દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં સોનાના ભાવ લગભગ સમાન સ્તરે રહ્યા છે, જોકે સ્થાનિક બજાર અને માંગ પ્રમાણે થોડો ફેરફાર જોવા મળે છે.

ચાંદીના ભાવ પણ ઉંચાઈએ: ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. હાલમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ લગભગ ₹2,95,000 સુધી પહોંચી ગયો છે, જ્યારે પ્રતિ ગ્રામ ભાવ ₹295 આસપાસ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીનો ભાવ ઔંસ દીઠ $89થી $93ની આસપાસ ચાલી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું ચાલી રહ્યું છે?: વૈશ્વિક બજારમાં સોનાનો સ્પોટ ભાવ ઔંસ દીઠ $5,172થી $5,278 વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુદ્ધ અને ભૂરાજકીય તણાવ વધે ત્યારે રોકાણકારો શેરબજાર અથવા જોખમી સંપત્તિમાંથી બહાર આવી સોનાં જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ વધારે છે.

આગામી સમયમાં શું થઈ શકે?: બજાર નિષ્ણાતોનું માનવું છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધશે તો સોનાં, ચાંદીના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે. જોકે બજારમાં ઉતાર-ચઢાવ યથાવત રહેવાની શક્યતા છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી ગણાય છે.

Most Popular

To Top