Business

એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર

વૈશ્વિક બજારમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના પોર્ટ્સ પર નાકાબંધીની જાહેરાત અને ચીનને ટેરિફની ચેતવણી આપ્યા બાદ બજારમાં તણાવ વધ્યો છે. બીજી તરફ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરી દીધું છે. આ તમામ ઘટનાઓના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે અને તે 104 ડોલર પાર પહોંચી ગયો છે. ઓઈલના ભાવમાં વધારાની સીધી અસર સોનું અને ચાંદી પર જોવા મળી છે. સામાન્ય રીતે તણાવની સ્થિતિમાં સોનું વધે છે, પરંતુ આ વખતે મજબૂત ડોલર અને વધતા બોન્ડ યીલ્ડના કારણે કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે.MCX પર 13 એપ્રિલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 5 જૂન એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું લગભગ 0.57 ટકા ઘટીને 1,51,634 રૂપિયા પર પહોંચી ગયું છે. ચાંદીમાં પણ વધુ ઘટાડો નોંધાયો છે. 5 મે એક્સપાયરીવાળી એક કિલો ચાંદી 2.05 ટકા ઘટીને 2,38,299 રૂપિયા સુધી આવી ગઈ છે. રિટેલ માર્કેટમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે. IBJA મુજબ 24 કેરેટ સોનામાં 246 રૂપિયાનો ઘટાડો થયો છે અને ભાવ 1,50,081 રૂપિયા સુધી આવી ગયો છે.

ચાંદીમાં તો વધુ કડાકો જોવા મળ્યો છે, જેમાં પ્રતિ કિલો 2753 રૂપિયાનો ઘટાડો થયો છે અને ભાવ 2,37,181 રૂપિયા સુધી પહોંચ્યો છે. વૈશ્વિક બજારમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોમેક્સ પર ગોલ્ડ ફ્યૂચર્સ 1.1 ટકા ઘટીને 4734.60 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. જ્યારે સિલ્વર ફ્યૂચર્સ 2.63 ટકા તૂટીને 74.47 ડોલર પ્રતિ ઔંસ સુધી આવી ગયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ અઠવાડિયું સોનું અને ચાંદી માટે ખુબ જ મહત્વનું રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ, ઓઈલના ભાવમાં ઉથલપાથલ અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના કારણે કિંમતોમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે.આ ઉપરાંત અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ, ફેડ રિઝર્વના નિર્ણય અને ચીનના આર્થિક આંકડા પણ કિંમતોને અસર કરશે. રોકાણકારોમાં હાલ અનિશ્ચિતતા અને ભયનો માહોલ છે, જેના કારણે તેઓ સાવધાનીપૂર્વક રોકાણ કરી રહ્યા છે.આ પરિસ્થિતિમાં નિષ્ણાતો સલાહ આપે છે કે રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિને સારી રીતે સમજી લેવી જોઈએ. કારણ કે આવનારા દિવસોમાં સોનું અને ચાંદીના ભાવમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

Most Popular

To Top