ભારતના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવો ફરી ભડકે બળી રહ્યા છે. શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનામાં 1300 અને ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તેને કારણે સોનાનો ભાવ ફરી નવી સપાટીએ 75500 અને ચાંદીનો ભાવ 86000 હજાર નોંધાયો હતો. બંને કિંમતી ધાતુની આ નવી ઐતિહાસિક સપાટીઓ છે. સરેરાશ ભારતીયોનો આ બંને કિંમતી ધાતુનો સંગ્રહ કરવાનો સ્વભાવ છે ત્યારે ભાવ ગમે તેટલા વધે પરંતુ સોના-ચાંદીની ખરીદી થતી જ રહેશે. આગામી દિવસોમાં પણ સોના-ચાંદીના ભાવો આસમાને પહોંચે તેવી સંભાવના જોવાઈ રહી છે.
એક અંદાજ પ્રમાણે ભારતીય પરિવારો આશરે 25000 ટન જેટલું એટલે કે 2, 26,79,618 કિલો સોનું છે. જો આજના ભાવ પ્રમાણે આ સોનાની કિંમત ગણવામાં આવે તો તેની કિંમત 1712 લાખ કરોડ રૂપિયા થાય છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સોનાનો ભાવ 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીના ભાવો જોવામાં આવે તો સોનાએ આઝાદીથી અત્યારસુધીમાં 52,000% સુધી વળતર આપ્યું છે. 1959માં પ્રથમ વખત સોનું 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે 1974માં સોનું ફક્ત 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાતું હતું. 2007માં સોનાનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 2011માં ભાવ 26,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 2020માં સોનાનો ભાવ 56,191 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. ચાર વર્ષ બાદ ફરી સોનાનો ભાવનો નવો વિક્રમ નોંધાયો છે.
બીજી તરફ ચાંદીની વાત કરવામાં આવે આઝાદી મળી ત્યારે 1947માં એક કિલોગ્રામ ચાંદીની કિંમત આશરે 107 રૂપિયા હતી. ચાંદીએ આઝાદીથી અત્યારસુધી 58,700% વળતર આપ્યું છે. આઝાદીના 27 વર્ષ પછી 1974માં ચાંદીનો ભાવ 1,000 રૂપિયાને પાર થયો હતો. 1987માં પ્રથમ વખત ભાવ 5,000 રૂપિયાને પાર થયો હતો. જ્યારે 2004માં પ્રથમ વખત ચાંદી 10,000ને પાર થઈ હતી. વર્ષ 2008માં ચાંદીની કિંમત 25,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી. વર્ષ 2020માં ચાંદી પ્રથમ વખત 77,949 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી હતી.
હાલમાં ચાંદીનો ભાવે નવો વિક્રમ બનાવ્યો છે. તાજેતરમાં સોના-ચાંદીના ભાવો વધવા પાછળ ગમે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ સાથે યુદ્ધ કરવામાં આવે તેવી સ્થિતિનું થયેલું નિર્માણ અને અમેરિકાનું વધી રહેલું દેવું જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોના-ચાંદીના ભાવોમાં થયેલા વધારાની સામે ભારતીય શેરબજારોમાં મોટો કડાકો પણ નોંધાયો છે. કાયમ માટે શેરબજારમાં તેજી હોય તો સોના-ચાંદીના ભાવમાં નરમાશ દેખાય છે અને જ્યારે સોના-ચાંદીના ભાવમાં તેજી આવે ત્યારે શેરબજારમાં નરમાશ દેખાય છે.
સોના-ચાંદીનો એવો ઈતિહાસ રહ્યો છે કે રોકાણકારો તેમાં કાયમ ફાયદામાં જ રહ્યા છે. બની શકે કે શોર્ટ ટર્મ પિરીયડમાં રોકાણકારોને નુકસાન થયું હોય પરંતુ જેણે પણ લોંગ ટર્મમાં રોકાણ કર્યું તેને હંમેશા ફાયદો જ થયો છે. વિશ્વમાં વિનિમયની જે ભાષા છે તેમાં ક્યાં તો સોનું ચાલે છે અથવા તો અમેરિકન ડોલરની બોલબાલા છે. હાલમાં અમેરિકન ડોલર પર દબાણ વધારે હોવાને કારણે હવે મોટાભાગના દેશો દ્વારા સોનાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જો ફીઝિકલી સોનું ખરીદવું નહીં હોય તો બોન્ડ સ્વરૂપે પણ સોનાની ખરીદી કરી શકાય છે. સોના-ચાંદીમાં રોકાણ કરવું ખોટું નથી પરંતુ તેની સામે સાવધાની પણ એટલી જ જરૂરી છે તે નક્કી છે.