National

ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી

ગોવાના આર્પોરામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બરે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા બાદ ક્લબના માલિક સૌરભ અને ગૌરવ લુથરા મુશ્કેલીમાં આવી ગયા છે. આગ બાદ બંને ભાઈઓ પર થાઈલેન્ડ ભાગી ગયા હોવાના આરોપ વચ્ચે તેમના પર ઈન્ટરપોલ બ્લૂ કોર્નર નોટિસ પણ જારી કરી છે.

હવે લુથરા ભાઈઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરતા એવો દાવો કર્યો છે કે તેઓ આ ક્લબનું રોજિંદું કામકાજ સંભાળતા જ નથી અને આગ લાગ્યા ત્યારે તેઓ પહેલેથી જ બિઝનેસ મીટિંગ માટે થાઈલેન્ડમાં હતા. બીજી તરફ અધિકારીઓ તેમની સામે બેદરકારી અને ભાગી છૂટવાના આરોપો લગાવી રહ્યા છે. જેને લઈને સમગ્ર કેસ વધુ ગંભીર બન્યો છે.

લુથરા બંધુઓએ ધરપકડની ભીતિ વચ્ચે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. તેમના વકીલો સિદ્ધાર્થ લુથરા અને તનવીર અહેમદ મીરે કોર્ટમાં દલીલ કરી કે તેમના ક્લાયન્ટને ભારતમાં પહોંચતા જ ધરપકડનો ડર છે અને તેમને સુરક્ષા આપવા જરૂરી છે.

જામીન અરજીમાં જણાવ્યું છે કે લુથરા ભાઈઓ ક્લબનું રોજિંદું કામકાજ સંભાળતા નથી તેઓ દિલ્હીથી મેનેજમેન્ટ સંભાળે છે અને ક્લબનો ડેઇ-ટુ-ડેઇ ઓપરેશન મેનેજરો દ્વારા કરવામાં આવે છે. આગ લાગ્યાના સમયે તેઓ ભારતમાં જ નહોતા એવો દાવો પણ અરજીમાં કરવામાં આવ્યો છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે તેઓ વારંવાર બિઝનેસ સંબંધિત મુસાફરી કરે છે અને 6 ડિસેમ્બરે પોતાની બિઝનેસ મીટિંગ માટે થાઈલેન્ડ ગયા હતા. એટલે તેઓ આગ પછી ભાગ્યા તેવી વાત ખોટી છે.

સરકારનો તર્ક છે કે દુર્ઘટના બાદ પાંચ કલાકની અંદર તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ લુથરા ભાઈઓનો દાવો છે કે તેઓ તો આગના એક દિવસ પહેલા જ થાઈલેન્ડ માટે નીકળી ગયા હતા.

હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને લુથરા ભાઈઓ ભારતમાં પરત આવશે કે નહીં તે બાબત પર નજર તમામની છે.

અત્યાર સુધી કોની ધરપકડ કરવામાં આવી છે?

  • અજય ગુપ્તા: ક્લબના સહ-માલિક
  • રાજીવ મોડક: નાઈટ ક્લબના ચીફ જનરલ મેનેજર 
  • વિવેક સિંહ: ક્લબના જનરલ મેનેજર
  • રાજીવ સિંઘાનિયા : બાર મેનેજર
  • રિયાંશુ ઠાકુર: ગેટ મેનેજર
  • ભરત કોહલી: કર્મચારી 

Most Popular

To Top