Columns

ગો ગોવા ગોન

બોહો સંસ્કૃતિનું કેન્દ્ર, પ્રવાસીઓના સ્વર્ગ ગોવાનું હોડકું પડકારોના મોજામાં અટવાયું

મુંબઈગરાં હોય કે ગુજરાતની જનતા હોય, દરેકે લાઈફમાં ઓછામાં ઓછો એકવાર તો ગોવા જવાનો પ્લાન બનાવ્યો જ હોય. નવી પેઢી માટે તો ફેસ્ટિવલ્સ અને કોન્સર્ટનું સરનામું પણ ગોવા છે. ઓલ્ડ ગોવા અને ન્યુ ગોવા અને વિદેશીઓ જ્યાં મોટી સંખ્યામાં જોવા મળે એવા બીચિઝના નામથી માંડીને હેરિટેજ આર્કિટેક્ચર જેવું કેટલું બધું લોકોને કડકડાટ યાદ હોય છે. 1961માં ગોવા, દિવ અને દમણની સાથે યુનિયન ટેરિટરી જાહેર થયું અને 1987માં તેને સ્ટેટહુડ – રાજ્યનો દરજ્જો મળ્યો. પ્રદેશ અનુસાર ભારતના સૌથી નાના રાજ્યની ખાસિયતો વિશે તો તમે જાણતા જ હશો. ફિલ્મોમાં પણ ગોવાને સારીપેઠે એક્સપ્લોર કરાયું છે, રોમાન્સ માટે, દોસ્તી માટે અને મર્ડર મિસ્ટ્રી માટે પણ. ગોવાની આટલી લાંબી ચર્ચા એટલા માટે કારણકે બે-ત્રણ અઠવાડિયાથી ગોવા સતત ચર્ચાતું રહ્યું છે. ગોવાનું અર્થતંત્ર સહેલાણીઓ પર ચાલે છે. ટુરિઝમ એટલે ગોવાના અર્થતંત્રની કરોડરજ્જુ પણ આજકાલ ગોવા લોકોના લિસ્ટમાંથી ગાયબ થઇ રહ્યું છે અને આ ચર્ચા X – પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલી એક પોસ્ટને પગલે છેડાઇ.
વિદેશી પ્રવાસીઓની ઘટતી સંખ્યા
ગોવા વિદેશીઓ માટે પણ નંબર વન ટુરિસ્ટ સ્પોટ રહ્યું છે પણ છેલ્લાં કેટલાંક વખતથી, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા પછી વિદેશી પ્રવાસીઓની સંખ્યા ગોવામાં નોંધપાત્ર રીતે ઘટી છે. રામાનુજ મુખર્જી, એક આંત્રપ્રિન્યોર છે જેમણે થોડા દિવસો પહેલાં એક ટ્વિટ કર્યું. આ ટ્વિટ અનુસાર ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા જે 2019માં 9.4 લાખ હતી તે ઘટીને 2023માં 4.03 લાખ થઇ ગઇ છે. તેમના મતે રશિયા અને બ્રિટનના જે પ્રવાસીઓ ગોવા આવતા તેઓ હવે શ્રીલંકા જવાનું પસંદ કરે છે. વળી મુખર્જીએ તો પોતે આંકડા એક એનાલિટિક્સ કંપની – CEIC – પાસેથી લીધા હોવાનો દાવો કર્યો અને લખ્યું કે સરકારે ટુરિઝમ ક્ષેત્રમાં સુધારા કરવાની તાતી જરૂર છે. ગણતરીના વર્ષોમાં ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 60% જેટલી ઘટી છે, ખાસ કરીને 2022ની સાલમાં વિદેશી પ્રવાસીઓની સંખ્ય 2019ની સરખાણીએ 82% ઘટી. આ ટ્વીટ વાઇરલ થયું અને પછી ગોવા ટુરિઝમ ડિપાર્ટમેન્ટે તો આ યુઝર સામે ફરિયાદ પણ નોંધી. પણજીના સાઇબરક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ટ્વિટનો દાવો અને આંકડા ખોટા છે, જેને કારણે ગોવા રાજ્યની છાપ ખરડાય છે એટલે આ યુઝર સામે પગલાં લેવાવા જોઇએ. જો કે યુઝરે ફરી પોસ્ટ કરીને એમ કહેલું કે, ‘માની લઈએ કે મને મળેલા આંકડા ખોટા હોય પણ આ પોસ્ટ વાઇરલ એટલે થઇ કારણકે લોકોએ ગોવામાં પોતાને થયેલા અનુભવો સોશ્યલ મીડિયા પર વહેંચ્યા. લોકોએ ગોવા અંગેની પોતાની દુભાયેલી લાગણીઓ ઠાલવી.’
ટેક્સી માફિયાઓની દાદાગીરી
ગોવા જનારા ભારતીય પ્રવાસીઓ તો કોરોનાકાળ પછી પાછા ફર્યા છે પણ જે સમસ્યાઓને કારણે વિદેશીઓ ગોવા આવવાનું ઘટાડી રહ્યા છે, એ સમસ્યો થોડા વખત પછી ભારતીય પ્રવાસીઓને પણ નડી શકે છે. પહેલાં તો ગોવામાં સમસ્યાઓ શું છે એ સમજીએ. ગોવામાં સૌથી મોટી સમસ્યા છે ‘ટેક્સી માફિયા’ની. ત્યાં તમને ઓલા કે ઉબર જેવી સેવાઓ નહીં મળે. મોટા ભાગે ટેક્સી બિઝનેસ માથાભારે જૂથો ચલાવે છે અને તેમણે માત્ર પ્રવાસીઓ જ નહીં પણ સ્થાનિક લોકોને પણ સારી પેઠે દાબમાં રાખ્યા છે કે પજવ્યા છે. ઇજારાશાહી હોય ત્યાં આવી સમસ્યા થાય જ. તેમના બળને લીધે ઓલા – ઉબર જેવી સેવાઓ ગોવામાં ચાલુ નથી થઇ શકી. ગોવાના ટેક્સી ઑપરેટર્સ તેમના ઊંચા દર, મિટર વગરની કાર્સ અને સરકારી નિયમોને નહીં અનુસરવા માટે જાણીતા છે. વળી જો કોઇએ ભાવ-તાલ કરવાની કોશિશ કરી તો તોછડાઇથી ના પાડી દેવાની ઘટનાઓ પણ પ્રવાસીઓ સાથે બની છે. કોઈએ ટ્વિટર પર આ પોસ્ટને પગલે પોતાનો અનુભવ શૅર કરતાં લખ્યું હતું કે, ‘એકવાર અમે ગોવામાં એક વિદેશીને અમારી કારમાં લિફ્ટ આપી. કોઇ ટેક્સીવાળાએ અમને રોકીને તેને ઉતારી દેવા કહ્યું અને ધમકી આપી કે જો એમ નહીં કરીએ તો એ અમારી કાર તોડી નાખશે. ગોવા ટુરિઝમ બગડ્યું છે તેનું કારણ ટેક્સી માફિયાનો વહેવાર છે. પુષ્કર કે ઉદયપુરમાં અમારે આવી સ્થિતિ ક્યારેય નથી વેઠવી પડી. ’અન્ય એક યુઝરે પણ લખ્યું કે તે પોતાના એક વિદેશીને લેવા એરપોર્ટ ગયો હતો અને તેની સાથે એક ભારતીય મિત્ર પણ હતો. એક ટેક્સીવાળાએ જ્યારે આ લોકોને પેલા યુઝરની અંગત કારમાં જોયા તો તેણે એમને રોકીને બબાલ કરી, થોડીવારમાં ત્યાં બીજા દસ ટેક્સીવાળા આવી ગયા જે બધા તેમને મારવા તૈયાર હતા. હવે ટુરિસ્ટ હોટસ્પોટ ગણાતા સ્થળે આવું થતું હોય તો કેવી રીતે ચાલે? ગોવાને મોટાભાગના નકારાત્મક રિવ્યુઝ ટેક્સી માફિયાઓને કારણે જ મળ્યા છે. વળી કાર્સ ઝડપથી મળે નહીં અથવા તગડી કિંમતો પણ વિચાર્યા વગર ચુકવવી પડે તો ક્યાં સુધી કોઇ પ્રવાસીઓ આવા શોષણને તાબે થાય. પ્રવાસીઓને માટે સફરની યાદો મીઠી હોય એ જરૂરી છે, ડર અને ખર્ચાના બોજ વાળી યાદો આપનારા ગોવાને પોતાની યાદીમાંથી તેઓ બિન્દાસ્ત બાદ કરવા માંડે એમાં કંઇ ખોટું નથી.
સલામતીના પ્રશ્નો
અહીં વાત માત્ર પ્રવાસીઓ ઘટવાની નથી. આપણા દરેકના મનમાં ગોવાની એક છબી છે, બિન્દાસ્ત, હિપ્પી કલ્ચરને આવકારતું સ્થળ, જેની ગ્લોબલ અપીલ જબ્બર રહી છે. પણ આપણે ગોવામાં થયેલી હત્યાઓ અને અપહરણના કિસ્સાઓથી અજાણ નથી. ગોવામાં જ મહિલા પ્રવાસીઓને માટે ખાસ પિંક ફોર્સની જાહેરાત કરાઇ છે જે તેમની સલામતી અને બીચ વિજીલ – દરિયા કાંઠેની ચોકીદારીનું ધ્યાન રાખે છે. આ કરવું પડે એ જ બતાડે છે કે ગોવામાં સલામતીને નામે ગોટાળા છે. ગોવામાં બબ્બે એરપોર્ટ છે તેની ના નહીં પણ શહેરમાં જો માળાખાકીય સુવિધાઓ પુરતી ન હોય તો તેનો પણ કોઇ અર્થ નથી.
રાજકારણ અને રિયલ એસ્ટેટ
વળી ગોવાને કેન્દ્રમાં રાખીને ખેલાતું રાજકારણ પણ કમ નથી. ત્યાંના રસ્તાઓ, ગોવા પોલીસ દ્વારા બહારની ગાડીઓને કરાતી હેરાનગતિ, ટ્રાફિક જામ વગેરે અંગે કોંગ્રેસના નેતાઓએ પુરતો દેકારો કર્યો છે. વળી ગોવાની હરિયાળી જમીન પર રિયલ એસ્ટેટની પકડ પણ જામી છે. મિલકતના ભાવ 100% કરતા ઉપર પહોંચ્યા છે. જાણે ત્યાં વિશેષ રીતે મોઘવારીએ પગ માંડ્યો હોય એવું લાગે છે. ગોવામાં ટાઉન અને કન્ટ્રી એક્ટમાં ફેરબદલ કરીને પેડી ફિલ્ડ અને જંગલોને સુરક્ષિત રાખનારા ઝોનિંગ કાયદાઓની ઉપરવટ જઇ જમીનનો ધાર્યો ઉપયોગ કરાયો છે. આ એક પ્રકારનું દબાણ છે જે માત્ર જમીન માત્ર પર નહીં ગોવાની સંસ્કૃતિ પર પણ દબાણ કહી શકાય કારણકે તે ગીચતા, ઘોંઘાટ અને ગોવાની સ્કાયલાઇન પર અસર કરે છે. ગોવા ટુરિઝમ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ વચ્ચેનો સંઘર્ષ પણ એક પાસું છે જે ગોવાની ઓળખ બદલી રહ્યું છે.

Most Popular

To Top