ત્રણ દાયકા કરતા વધુ સમય પહેલા ભારતે પણ આર્થિક ખુલ્લાપણાની નીતિ અપનાવી અને વૈશ્વિકરણ અપનાવ્યું તેના પછી હવે આપણા હાલના વડાપ્રધાન સ્વદેશીની હાકલો કરવા માંડ્યા છે અને વર્તમાન સંજોગોમાં તે યોગ્ય પણ છે. ભારત જ નહી, વિશ્વના ઘણા દેશો ફરી એકવાર સ્વકેન્દ્રી અને અનેક બાબતોમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરતા જણાય છે. આ સંજોગોમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ગ્લોબલાઇઝેશન કે વૈશ્વિકરણ નિષ્ફળ જઇ રહ્યું છે? ગ્લોબલાઇઝેશન સારું છે કે ખરાબ છે તે અંગે પણ ચર્ચાઓ થાય છે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એક બેઠકમાં પણ આની ચર્ચા થઇ હતી. સારાંશ એ નિકળે છે કે વૈશ્વિકરણ ખરાબ નથી કારણ કે મોટાભાગના દેશોએ એક વર્ષ પહેલાની અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. ખરાબ નથી કારણ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે.સારું નથી કારણ કે કેન્દ્રીય બેંકો ફુગાવા અને વિકાસ વચ્ચે સમતોલન જાળવવામાં વૈશ્વિક પરિબળો પર પણ ધ્યાન રાખવું પડે છે. સારું નથી કારણ કે 2024 ના શરૂઆતમાં મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષ થયો, જેની અસરો વિશ્વના મુખ્ય વેપાર માર્ગોમાંથી એક પર પડી છે. અને સારું નથી કારણ કે વૈશ્વિક અર્થતંત્ર ઊંડાણપૂર્વક ખંડિત છે. એક અગ્રણી વૈશ્વિક નીતિ નિર્માતાએ ખાનગીમાં વાત કરતા કહ્યું કે 2020 થી વારંવાર આવતા પ્રહારોનો અર્થ એ છે કે આગામી આશ્ચર્યજનક આંચકા માટે તૈયાર રહેવું સમજદારીભર્યું રહેશે.
સાચું એ છે કે રક્ષણાત્મક અભિગમ તરફ ધકેલાયા આવ્યા પછી, વૈશ્વિક મૂડીવાદ કંઈક અલગ રીતે પરિવર્તિત થઈ રહ્યો છે. 2020 થી વારંવાર આવતા આંચકાઓએ ગતિશીલતાને બદલી નાખી છે. કોવિડ રોગચાળાના આગમન પછી જે કંઈ બન્યું છે તે એક નવા દાખલા તરફ ઈશારો કરે છે: કેટલાક તેને ડી-ગ્લોબલાઇઝેશન કહે છે, અન્ય લોકો તેને – કદાચ વધુ સચોટ રીતે – ગ્લોકલાઇઝેશન કહે છે. આ ગ્લોકલાઇઝેશન વધુ સચોટ શબ્દ છે. તેમાં ગ્લોબલાઇઝેશન અને લોકલાઇઝેશનનું મિશ્રણ છે. આ ગ્લોલોકલાઇઝેશન એ વૈશ્વિક મુક્ત બજાર નથી, અને તે સ્વાયત્તતા (સ્વનિર્ભરતાની સ્થિતિમાં કાર્યરત રાષ્ટ્ર) નથી, પરંતુ વચ્ચે કંઈક છે.
તેમાં ટૂંકી પુરવઠા શૃંખલાઓ, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને પાછી બનાવવા પર ભાર અને સરકાર માટે વધુ વ્યૂહાત્મક ભૂમિકા શામેલ છે. મિશ્ર અર્થતંત્રના કોઈપણ સ્વરૂપની જેમ, ગ્લોકલાઇઝેશનની ડિગ્રી દેશથી દેશમાં બદલાય છે. હવે એવી માન્યતા છે કે ઓછી કિંમત જ બધું નથી અને સરકારો એ જાણીને ખુશ હતી કે તેમને રસી, રક્ષણાત્મક ઉપકરણો, કમ્પ્યુટર ચિપ્સ અને ઉર્જાની કમી નહીં રહે. પરંતુ રાતા સમુદ્રમાં કાર્ગો જહાજો પરના હુમલા, જેના કારણે કેપ ઓફ ગુડ હોપની આસપાસ લાંબી મુસાફરી કરવી પડી, તે તેનું નવીનતમ ઉદાહરણ છે કે લાંબી સપ્લાય ચેઇન કેટલી સંવેદનશીલ બની ગઈ છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પોતના દેશને જ મહત્વ આપીને સંકુચિત વર્તન કરી રહ્યા છે તો ચીન પણ હવે તેના રેર અર્થની નિકાસ પર નિયંત્રણો સહિતના પગલા ભરવા માંડ્યું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વિશ્વભરના દેશો પર ટેરિફના બહાને દાદાગીરી કરી રહ્યા છે અને ભારત પર તો ઘણા જ ટેરિફ ઝિકી દીધા છે તેવા સંજોગોમાં વડાપ્રધાન મોદી સ્વદેશી અને વોકલ ફોર લોકલની વાતો કરે તેમાં કશું ખોટું નથી. વૈશ્વિકરણ મૃત્યુ ભલે નહીં પામ્યું હોય પરંતુ તેમાં ઘણા બધા પરિવર્તનો આવી ચુક્યા છે તે નકારી શકાય તેવી બાબત નથી.