Editorial

રાતા સમુદ્રમાં વેપારી જહાજો પરનાં હુમલાઓને કારણે વૈશ્વિક વ્યાપારને અસર થઇ રહી છે

વીતેલા વર્ષના ઓકટોબરથી પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ ફાટી નિકળી તેના પછી એક નવા ઘટનાક્રમે આકાર લીધો છે અને છેલ્લા કેટલાક સમયથી કેટલાક સમુદ્રી વિસ્તારોમાં, ખાસ કરીને રાતા સમુદ્રના વિસ્તારમાં વેપારી જહાજો પર હુમલાઓ થવા માંડ્યા છે. રેડ સી એટલે કે રાતો સમુદ્ર એ વિશ્વનો એક અગત્યનો વેપારી વહાણવટાનો માર્ગ છે. આ સમુદ્રી માર્ગ પરથી પસાર થઇ રહેલા વેપારી જહાજોને યમનના હુથી બળવાખોરો નિશાન બનાવી રહ્યા છે.

આ હુથી બળવાખોરો ઇરાનની સરકારનો ટેકો ધરાવે છે અને દેખીતી રીતે ઇરાનની સરકારના ટેકાથી જ તેઓ આ હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં અનેક જહાજો પર હુમલા થયા છે. ભારતના કે ભારતીય કર્મચારીઓ ધરાવતા જહાજો પર પણ ઓછામાં ઓછા ત્રણ હુમલા થયા છે. તેમાંનો એક ડ્રોન હુમલો તો આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાથી થોડે દૂર એક જહાજ પર થયો હતો. સદભાગ્યે આ કોઇ પણ હુમલામાં કોઇ જાનહાનિ તો નથી જ થઇ, પરંતુ જહાજો પરના કોઇ કર્મચારીઓ કે અન્ય કોઇને કોઇ ગંભીર ઇજા પણ નથી થઇ.

એવું લાગે છે કે માત્ર ભય ફેલાવવા માટે જ આ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક વેપારને અસર પહોંચાડીને ઇઝરાયેલ પર દબાણ લાવવાનો હેતુ ઇરાનનો જણાય છે અને તે પોતે તો પોતાના લશ્કર મારફતે સીધે સીધા હુમલાઓ કરી શકે તેમ નથી કારણ કે એમ કરવાથી તે એક દેશ તરીકે વાંકમાં આવી જાય, આથી તે હુથી બળવાખોરોનો ઉપયોગ કરી રહ્યું છે એમ લાગે છે. જો કે જહાજોને નુકસાન થઇ રહ્યું છે અને માલસામાનનો નિયમિત પુરવઠો ખોરવાઇ રહ્યો છે તે એક કઠોર વાસ્તવિકતા છે. વળી, આનો લાભ ચાંચિયાઓ પણ ઉઠાવી રહ્યા છે એમ જણાઇ રહ્યું છે.

ચાંચિયાગીરી માટે આફ્રિકા ખંડના સોમાલિયન ચાંચિયાઓ લાંબા સમયથી કુખ્યાત છે અને હાલની સ્થિતિનો તેઓ લાભ ઉઠાવી રહ્યા છે એમ જણાય છે. હાલ અનેક જહાજો પર ડ્રોન હુમલાઓ થયા છે જે હુથી બળવાખોરો કરી રહ્યા છે જેમને લૂંટફાટમાં રસ નથી પરંતુ માત્ર ભય ફેલાવવો છે. બીજી બાજુ, થોડાક જહાજના અપહરણના પ્રયાસો પણ થયા છે જે લૂંટારૂઓ કે ચાંચિયાઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જણાય છે. પરંતુ આ આખી સ્થિતિ હવે વૈશ્વિક વેપારને અસર કરવા માંડી છે.

એક આર્થિક થિંક ટેંક દ્વારા તાજેતરમાં એક અહેવાલ આપ્યો છે જેમાં આ હુમલાઓને વેપાર પર થઇ રહેલી અસરની વિગતો આપવામાં આવી છે. આર્થિક થિંક ટેન્ક જીટીઆરઆઇ દ્વારા આપવામાં આવેલ એક અહેવાલ જણાવે છે કે રાતા સમુદ્રમાં વકરી રહેલી કટોકટી વેપાર પર અસર કરી શકે છે કારણ કે એવી શક્યતા છે કે આ કટોકટીને કારણે નિકાસકારો માટેના શિપિંગના અને વીમાના ખર્ચાઓ વધી શકે છે, અને આ સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે સરકારે નિકાસકારોને નાણાકીય સહાય આપવાનું વિચારવું જોઇએ.

આ અહેવાલે જણાવ્યું હતું કે આ કટોકટી જહાજી ખર્ચાઓ ૬૦ ટકા જેટલા વધારી શકે છે અને વીમા પ્રિમિયમ ૨૦ ટકા જેટલું વધી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ(જીટીઆરઆઇ)એ ભારતના સંદર્ભમાં જણાવ્યું છે કે ભારતે હાલની સ્થિતિને કારણે લાબાં સમય સુધી શિપિંગની ખોરવણી માટે તૈયાર રહેવું જ જોઇએ. વેપારી જહાજો પર ડ્રોન્સ અને મિસાઇલો વડે હુમલાઓને કારણે જહાજથી માલ મોકલવાના ખર્ચાઓ અને માલસામાન પહોંચાડવાના સમયમાં અત્યંત વધારો થઇ શકે છે જેના કારણે નિકાસકારોના માર્જીન પર ખૂબ દબાણ આવી શકે છે.

આ ખરેખરી સમસ્યાનો સામનો એવા નિકાસકારોને કરવો પડે છે જેમના કોન્ટ્રાક્ટમાં ખરીદનારાના બંદર પર સામાનની ડિલીવરી કરવાના ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે એમ આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે. આ અહેવાલમાં વિવિધ પગલાઓ સૂચવવામાં આવ્યા છે જેમ કે ક્રૂડ આોઇલની આયાત માટે પ્રદેશોનું વૈવિધ્યીકરણ કરવામાં આવે, જેમ કે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા ખંડના દેશો અને ભૂમધ્ય વિસ્તાર, સંઘર્ષના ઝોનોની બહારના બંદરો જેવા કે ઓમાન અને જીબોતી પર ટ્રાન્સશીપમેન્ટ અને પ્રાદેશિક વેપાર માટે આધાર રાખવો, અને આ વેપાર ખોરવણીને કારણે અસરગ્રસ્ત બનેલ ભારતીય કંપનીઓને માટે નાણાકીય ટેકો અને વિમા યોજનાઓ રજૂ કરવા. ભારત પોતાના સમુદ્રી હિતોના રક્ષણ માટે આ પગલાઓ લઇ શકે છે એમ આ અહેવાલમાં કહેવાયું હતું.

 તાજેતરના સંઘર્ષને કારણે જહાજી ખર્ચાઓ ૪૦થી ૬૦ ટકા વધ્યા છે, માર્ગ બદલવાને કારણે માલ પહોંચવામાં ૨૦ દિવસ જેટલો વિલંબ થાય છે અને વીમાના પ્રિમિયમો ૧૫થી ૨૦ ટકા જેટલા વધ્યા છે અને ચાંચિયાગીરી તથા હુમલાઓને કારણે સામાનને નુકસાનનો ભય પણ રહે છે. આ બધા કારણોસર આયાતકારો માટે માલની આયાત કિંમત વધી શકે છે અને છેવટે તે ચીજ વસ્તુઓ મોંઘી થવામાં પરિણમી શકે છે. યુક્રેન યુદ્ધને કારણે યુરોપિયન દેશો અને અમેરિકાને વધુ આર્થિક અસર થઇ, હવે આ સંઘર્ષને કારણે એશિયન દેશોને વધુ અસર થઇ શકે તેમ લાગે છે.

Most Popular

To Top