Gujarat

‘ડેસ્ટિનેશન વેડિંગ છોડો, દીકરીને સહારો આપો’ – પરષોત્તમ રૂપાલાની સમાજને કડક ટકોર

ગાંધીનગર,તા.22
રાજકોટ નજીક યોજાયેલા કડવા પાટીદાર સમાજના મહાસંમેલનમાં ભાજપનાલ સાંસદ પરષોત્ત રૂપાલાએ આધુનિક જીવનશૈલી અને સમાજમાં વધતા ભપકાવાળા ટ્રેન્ડ્સ પર તીખી ટકોર કરી હતી. ઉમિયાધામ દ્વારા ઇશ્વરીયા ગામે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ડેસ્ટિનેશન વેડિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચવા કરતાં પોતાની દીકરીના ઘરે 10 લાખનો ચેક મોકલવો વધુ સારું છે.”

લગ્નમાં ભપકાની દોડ પર પ્રહાર
રૂપાલાએ જણાવ્યું હતું કે, આજકાલ લગ્નોમાં અતિશય ખર્ચ અને દેખાવનો ટ્રેન્ડ ચિંતાજનક છે. “એક સમય એવો હતો કે આખો સમાજ એક જ દિવસે સરળતાથી લગ્ન કરતો, જ્યારે આજે માત્ર આલ્બમ અને પ્રિ-વેડિંગ શૂટ પાછળ જ લાખો ખર્ચાઈ જાય છે,” એમ તેમણે જણાવ્યું. પ્રિ-વેડિંગ શૂટ જેવી પ્રથાઓને તેમણે “અપણા સંસ્કારથી પર” ગણાવી.

ફેશન અને સંસ્કાર અંગે ચેતવણી
પહેરવેશ અંગે તેમણે કડક અભિપ્રાય આપતા કહ્યું હતું કે, “અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. આપણી ફેશન એવી હોવી જોઈએ કે સમાજમાં સન્માન જળવાય.” દીકરીઓના ઉછેર અને સુરક્ષા મુદ્દે તેમણે માતાઓને ખાસ જાગૃત રહેવા અપીલ કરી.

સંયુક્ત પરિવાર અને મૂલ્યો પર ભાર
તેમણે સંયુક્ત પરિવારની પરંપરા તૂટતી હોવા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું હતું કે, “વડીલોને ડસ્ટબિન સમાન સમજવાની માનસિકતા ખતરનાક છે.” પરિવારના મૂલ્યો અને પરંપરાઓ જાળવવાની જરૂરિયાત તેમણે ભારપૂર્વક રજૂ કરી.

સામાજિક કુરિવાજો સામે અવાજ
મૃત્યુ બાદની બિનજરૂરી પરંપરાઓ પર પણ રૂપાલાએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, “જે પ્રથાઓનો કોઈ અર્થ નથી તેને બદલવી જ જોઈએ.” કોરોનાકાળનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, “તે સમયે સરળતાથી લગ્ન થઈ શકતા હતા, તો હવે આટલો દેખાવ શા માટે?”

સમૂહ લગ્નનું ઉદાહરણ આપ્યું
ઉત્તર ગુજરાતના સમૂહ લગ્ન મોડલની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં બિનજરૂરી ખર્ચ અટકાવવા કૂપન સિસ્ટમ અને સરળ આયોજન કરવામાં આવે છે, જે સમાજ માટે આદર્શ બની શકે છે.

અંતમાં કડક ચેતવણી
રૂપાલાએ ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો આપણે સમયસર નહીં જાગીએ તો સમાજ માટે ગંભીર પરિણામો આવી શકે છે.” તેમણે સમાજને ફરીથી સંસ્કાર, સાદગી અને પરિવારમૂલ્યો તરફ વળવા આહવાન કર્યું હતું.
આ સમગ્ર પ્રવચનથી સ્પષ્ટ થાય છે કે, રૂપાલાએ માત્ર ટકોર નહીં પરંતુ સમાજને દિશા બતાવવાનો પ્રયાસ કર્યો છે, જે હાલની ચમકધમકની દુનિયા વચ્ચે વિચારવા માટે મજબૂર કરે છે.

Most Popular

To Top