ઉત્તરાખંડના રાજકારણમાં ફરી એક વખત વિવાદ વકર્યો છે. મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુના એક નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સાહુ કહેતા સાંભળાઈ રહ્યા છે કે “જો લગ્ન ન થઈ રહ્યા હોય તો બિહારમાંથી 20થી 25 હજાર રૂપિયામાં છોકરી લઈ આવો.” આ નિવેદન સામે આવતાં જ વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે
અંકિતા ભંડારી હત્યા કેસને લઈને પહેલેથી જ ઘેરાયેલી ભાજપ સરકાર માટે આ વિવાદ વધુ મુશ્કેલી ઊભી કરતો જણાય છે. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે આ નિવેદન ફક્ત એક વ્યક્તિની વ્યક્તિગત વાત નથી પરંતુ સત્તામાં બેઠેલા લોકોની મહિલાઓ પ્રત્યેની તેમની માનસિકતાને ઉજાગર કરે છે. કોંગ્રેસે આ નિવેદનને મહિલાવિરોધી અને અપમાનજનક ગણાવીને ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુજાતા પાલે જણાવ્યું કે મહિલા સશક્તિકરણ વિભાગ સંભાળનારા મંત્રીના પરિવાર તરફથી આવી ભાષા આવવી અત્યંત શરમજનક છે. તેમણે આરોપ લગાવ્યો કે અંકિતા ભંડારી કેસમાં સરકારની અસંવેદનશીલતા પહેલેથી જ સામે આવી ચૂકી છે અને હવે આવા નિવેદનો તેને વધુ મજબૂત બનાવે છે. કોંગ્રેસે માંગ કરી છે કે ભાજપ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જવાબદારી નક્કી કરે.
આ વિવાદ રાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ પણ ગિરધારી લાલ સાહુના નિવેદન સામે સખત પ્રતિક્રિયા આપી છે. X પર પોસ્ટ કરીને આરજેડીએ કહ્યું કે બિહારની મહિલાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવી ભાજપ અને તેની વિચારધારા સાથે જોડાયેલા લોકોની જૂની આદત રહી છે. પાર્ટીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી સ્પષ્ટતા માગી છે.
ગિરધારી લાલ સાહુએ સ્પષ્ટતા આપી
વિવાદ વધતા ગિરધારી લાલ સાહુએ હવે સ્પષ્ટતા આપતો વીડિયો જાહેર કર્યો છે. તેમણે દાવો કર્યો કે તેમના શબ્દોને તોડી-મરોડી રજૂ કરવામાં આવ્યા છે અને તેઓ એક મિત્રના લગ્ન સાથે જોડાયેલી ઘટના જણાવી રહ્યા હતા. સાહુએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તેમની પત્ની મંત્રી રેખા આર્યની છબી ખરાબ કરવા માટે જાણબૂઝીને આ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગિરધારી લાલ સાહુ અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયા છે. ડબલ મર્ડર કેસથી લઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ગંભીર આરોપો સુધી, તેમનું નામ સમયાંતરે ચર્ચામાં આવ્યું છે. હાલ આ નવા નિવેદનને લઈને ઊભેલા વિવાદે ઉત્તરાખંડની રાજનીતિને ફરી ગરમાવી દીધી છે.