નવી દિલ્હી: દર વર્ષે 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે(World Heritage Day) ઉજવવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ સંસ્કૃતિ અને સભ્યતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ખાસ જાહેરાત કરી છે. જેમાં હવે 21 ખાસ અવસરોનાં દિવસે વિના મૂલ્યે આ સ્થળોની મુલાકાત લઇ શકશે.
ભારતમાં આવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જે તેમની સંસ્કૃતિ અને કલા માટે વિશેષ મહત્વ ધરાવે છે. વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રાચીન તથા ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે.
યુવાનોને ભારતની ઐતિહાસિક ધરોહર સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે લેવાયો નિર્ણય
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ 21 ખાસ અવસર પર કોઈ પણ પ્રકારની ટિકિટ આ ઐતિહાસિક સ્મારકો અને ભારતીય પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતા સ્થળો પર નહીં લાગશે, એટલે કે તમે અહીં ફ્રીમાં મુલાકાત લઈ શકશો. કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક ધરોહર સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળ પર જવા માટે ખાસ 21 અવસર પર ટિકિટ નહીં લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલી દેવામાં આવી છે.
આ દિવસે કરી શકાશે ફ્રીમાં મુલાકાત
ભારતમાં ઉજવાતા તહેવારો કે ખાસ દિવસોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વર્લ્ડ હેરીટેજ ડે, વર્લ્ડ હેરીટેજ વીક સેલીબ્રેશન, હોળી, દશેરા, ગણેશ ઉત્સવ, શિવરાત્રિ, મકર સંક્રાતિ, સાંચિ ઉત્સવ, અક્ષય નવમી તથા ઉદયગિરી પરિક્ર્તસ્મા ફેસ્ટીવલ, રાજરાની મ્યૂઝિક ફેસ્ટિવલ, સાંબ દશમી મેળા, માઘ સપ્તમી મેળો, મહાશિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા મેળો, આગારોનો ઐતિહાસિક શાહજહાં ઉર્સ ઉત્સવ, કૈલાશ મેળો, આગરા, મુક્તેશ્વર ડાંસ ફેસ્ટિવલ ભુવનેશ્વર જેવા દિવસે પ્રાચીન તથા ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળની વિના મૂલ્યે લોકો મુલાકાત લઇ શકશે.