સુરત: કતારગામમાં લગભગ 50 વર્ષ જૂની જીઆઇડીસીના (GIDC) ખાડાવાળા અને વરસાદી પાણીમાં કીચડથી (Mud) ભરાયેલા રોડ પરથી હજારો મહિલાઓ કામ પર આવવા મજબુર બની રહી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ચોમાસાના 10 દિવસ પહેલા જ RCC રોડનું ખાતર્મુહુત કરનાર કોર્પોરેટર અને પાલિકા ને કારખાનેદારો રોજની 10થી વધુ રોડ રીપેરીંગ માટે ઓનલાઈન ફરિયાદ કરતા હોવાનું જાણવા મળ્યું છે. કરોડો રૂપિયા નો વેરો ભરતા કારખાનેદારોની દયાનીય પરિસ્થિતિ બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
દિનેશ કાછડીયા (પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગર પાલિકા) એ જણાવ્યું હતું કે 50 વર્ષ જૂની કતારગામ GIDCના રોડ ચોમાસા પહેલા થોડા તો સારા હતા. ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પાલિકા હંગામી ધોરણે રોડ બનાવવાનું જ ભૂલી ગઈ હોય એમ લાગે છે. એટલું જ નહિ પણ રોડ બનવવા માટે અધિકારીઓએ વોર્ડ નંબર 5-6 ના કોર્પોરેટરની હાજરી માં RCC રોડ બનાવવાનું ખાતર્મુહુત પણ કરી દીધું હતું. એ વાત ને પણ આજે બે મહિના થવાના પણ આ ઉબદ ખાબદ રોડ ઉપર કોઈ કામગીરી ન કરાતા આખરે વરસાદી પાણીનો ભરાવો અને પગનો પંજો ડૂબી જાય ત્યાં સુધીના કીચડ વાળો રોડ બની ગયો છે.
વધુમાં જણાવ્યું હતું કે આ GIDC માં હજારો મહિલા કામદારો છે. ચાલીને કામ પર આવતી હોય છે. આવા સંજોગોમાં હવે કીચડવાળી થઈ કામ પર આવવા અને ઘરે જવા મજબુર બની રહી છે. કેટલીક મહિલાઓએ તો કામ છોડી બીજે ઓછાં પગારમાં નોકરી મેળવી હાલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહી હોવાની વાત પણ સામે આવી રહી છે. આ GIDCમાં રોજની અવર જવર કરતા ટેમ્પો ચાલકો પણ કીચડ અને વરસાદી પાણી થી ભરાયેલા ખાડામાં ટેમ્પો લઈ અવર-જવર કરવા મજબુર બન્યા છે. સુરત મહાનગર પાલિકાને કરોડો રૂપિયાને વેરો ભરતી આ જીઆઇડીસીના રોડ પર 5 થી 10 ગાડી ગ્રીટ નાખવામાં આવે તો લોકોને પડતી થોડી મુશ્કેલીઓ ચોક્કસ દૂર કરી શકાય એ વાત નકારી શકાય નહીં.
વધુમાં જણાવ્યું હતું કે બે મહિનાથી સતત માનસિક અને આર્થિક નુકશાન વચ્ચે કામ કરી રહેલા કારખાનેદારો હવે રોજની 10 ફરિયાદ કરી હંગામી રોડ બનાવવા અપીલ કરી રહ્યા છે. જોકે આ બાબતે પાલિકા ફરિયાદ ને પણ નજર અંદાજ કરતા હોવાથી હવે રેલી અને વિરોધ સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હોવાનું દિનેશ કાછડીયાએ જણાવ્યું છે.