એક્રેલીક સહિતનો સર સામાન બળીને ખાખ થતા મોટા નુકસાનની ભીતિ
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું

( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલી તમામ પ્રકારની એક્રેલિક ચીજ વસ્તુઓ બનાવતી જીયા કોર્પોરેશન નામની કંપનીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડયા હતા. બનાવની જાણ થતા જ વડોદરા અને જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે જાનહાની થતા ટળી હતી.


વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મકરપુરા જીઆઇડીસી માં આવેલી એક્રેલિક આઈટમ બનાવતી કંપનીમાં બપોરના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. આકસ્મિક આગ લાગતા બે ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુર મકરપુરા જીઆઇડીસી એસ્ટેટમાં પ્લોટ નંબર 992 / 1 / 14 માં આવેલી અને તમામ પ્રકારની એક્રેલિકની ચીજ વસ્તુઓ બનાવતી જીયા કોર્પોરેશન નામની કંપનીમાં બપોરના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા જીઆઇડીસી ફાયર સ્ટેશન સહિત ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. જ્યારે કંપનીમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ અંગે જીઆઈડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર જયદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગાયત્રી ફેક્ટરીની સામે જિયો કોર્પોરેશન કરીને કંપનીની અંદર મેન કંટ્રોલ રૂમમાંથી આગનો કોલ મળ્યો હતો. જેથી જીઆઈડીસી ફાયર વિભાગની ટિમ સ્થળ પર આવી ગઈ હતી. અને ટુંકજ સમયમાં આગને કંટ્રોલમાં લઇ લીધી હતી. કંપનીની અંદર એક્રેલીક શીટ અને પ્લાસ્ટિકની શીટ હતી અને બીજા કાગળો હતા. નુકસાન જાણવા મળ્યું નથી. તપાસ બાદ જાણી શકાશે.