ગાંધીનગર : જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં (Gandhinagar) દેશના રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુજીના (Draupadi Murmu) હસ્તે આગામી તા. ૩જી ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
આ નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. એટલું જ નહિ, રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પુરી પાડવામાં આવશે.
બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે
કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલિસિસ વોર્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે તેમજ શ્વાસના સંદર્ભિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પુરી પાડવામાં આવશે.રેન બસેરામાં હોસ્પિટલમાં દાખલ કરેલા તમામ દર્દીઓના સગાઓ માટે રહેવા તથા જમવાની પુરતી સગવડ માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે.