પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરી દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતના પ્રથમ દિવસે ચાન્સેલર મેર્ઝ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વર્ષ 1917માં સ્થાપિત સાબરમતી આશ્રમ 1917થી 1930 સુધી ગાંધીજીનું નિવાસસ્થાન રહ્યું હતું અને ભારતના સ્વતંત્રતા સંગ્રામનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. ઐતિહાસિક આશ્રમમાં બંને નેતાઓએ ગાંધીજીના વિચારોને નમન કર્યું.
આ બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા. જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝે પરંપરાગત રીતે પતંગ ઉડાવી ભારતીય સંસ્કૃતિ અને ઉત્સવના માહોલનો આનંદ માણ્યો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી આવેલા મહેમાનો અને નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી રહી.
આ મુલાકાત બાદ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય કાર્યક્રમો યોજાશે. અહીં બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. જેને તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ થયા છે.
સાંજે બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થશે. ત્યારબાદ સંયુક્ત પ્રેસ નિવેદન જારી કરવામાં આવશે.
આ બેઠક દરમિયાન વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન અને નવીનતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ચાન્સેલર મેર્ઝ સાથે 25 મોટી જર્મન કંપનીઓના સીઈઓ સહિતનું વિશાળ વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જર્મની હાલમાં ભારતમાં નવમો સૌથી મોટો વિદેશી રોકાણકાર છે.
મુલાકાત દરમિયાન આશરે $8 બિલિયનના સંરક્ષણ સોદા પર પણ ચર્ચા થવાની ધારણા છે. જે પ્રોજેક્ટ 75I અંતર્ગત છ અદ્યતન સબમરીનના નિર્માણ સાથે સંકળાયેલો છે. સાથે જ ગ્રીન એનર્જી અને ગ્રીન એમોનિયા ક્ષેત્રે સહયોગ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. આ મુલાકાત ભારત-જર્મની સંબંધોને નવી ઊંચાઈ આપશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.