SURAT

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ આવતા સુરતનું તંત્ર હરકતમાં: હવે કોરોના વેરિએન્ટની તપાસ પણ સુરતમાં જ થશે

સુરત: કોરોના વાયરસ (Corona virus) તેનું સ્વરૂપ ખુબ જ ઝડપથી બદલી રહ્યું છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે તરખાટ મચાવ્યો હતો. અને હવે નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ (Delta + variant) છે. જેનો એક કેસ સુરત (Surat)માં મળી આવ્યો હતો.

પરંતુ તે કેસની રિકવરી થઈ ચુકી છે. પરંતુ ભવિષ્યમાં આવા વેરિએન્ટને ઝડપથી શોધી કાઢવા માટે શહેરમાં વેરિએન્ટના તપાસ માટેની ખાસ સીસ્ટમ જીનોમ સિકવન્સિંગ (Genome sequencing system) માટેની પરમિશન આઈસીએમઆર પાસે માંગી છે. વેરિયન્ટની તપાસ માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સ્મીમેર હોસ્પિટલમાં વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની તૈયારી મનપા દ્વારા કરાશે.

કોરોના પોઝિટિવ જેટલા પણ કેસ આવ્યા હોય તે પૈકી 5% કેસને જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. હાલમાં આવા સેમ્પલો મહારાષ્ટ્રના પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. વાયરસની તપાસ કરવા માટે હાલ બે મહિના જેટલો સમય લાગી જાય છે. ત્યારબાદ તેનું પરિણામ આવે છે. જો સુરતમાં આ લેબોરેટરી શરૂ થાય તો માત્ર એક સપ્તાહના સમયમાં જ તમામ વાયરસ અંગેની વિગતવાર માહિતી મળી શકે છે. અત્યારે દેશભરમાં આવતા કોરોના પોઝિટિવ કેસના સેમ્પલો પૂણે જ મોકલવામાં આવે છે. જેથી સુરતને પરિણામ મોડા મળે છે.

યુનિવર્સિટી અને સ્મીમેરમાં જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી માટે વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની તૈયારી

આ પરિણામો મનપાને ઝડપથી મળી રહે તે માટે શહેરમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સ્મીમેર હોસ્પિટલમાં જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી માટે વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની તૈયારી શરૂ થઈ છે. તે ઉપરાંતની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આઈસીએમઆરમાં 20 દિવસ પહેલાંથી લેખિતમાં મંજૂરી માંગવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. મંજૂરી મળતાંની સાથે જ લેબોરેટરી શરૂ કરી શકાશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top