જિનેવામાં યોજાયેલી પરમાણુ મુદ્દાની મહત્વપૂર્ણ ચર્ચામાં ઈરાન અને અમેરિકા વચ્ચે કેટલાક મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો પર સહમતિ બની હોવાનું ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ જણાવ્યું છે.જોકે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રગતિ છતાં અંતિમ કરાર થવા માટે હજુ અનેક મુદ્દાઓ પર ચર્ચા બાકી.ચર્ચા સ્વિટ્ઝર્લૅન્ડના શહેર જિનેવામાં યોજાઈ હતી,બંને દેશોના પ્રતિનિધિઓએ લાંબા સમયથી ચાલી રહેલા પરમાણુ વિવાદને ઉકેલવા માટે સંવાદ કર્યો હતો.અમેરિકી સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે અઠવાડિયામાં ઈરાન તરફથી વિગતવાર પ્રસ્તાવો રજૂ થવાની શક્યતા છે, જે બાકી રહેલા મતભેદો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
હોર્મુઝ જળમાર્ગ અને વૈશ્વિક તેલ બજાર પર અસર
મધ્યસ્થી તરીકે ઓમાનની ભૂમિકા જોવા મળી રહી છે,આ ચર્ચામાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ પૂર્વ રાષ્ટ્રપતિના જમાઈ જેરેડ કુશનરએ ભાગ લીધો હતો.ચર્ચા પ્રક્રિયામાં ઓમાનએ મધ્યસ્થી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.ઓમાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે હજુ ઘણું કામ બાકી છે,પરંતુ બંને દેશો આગળ વધવા માટે સ્પષ્ટ પગલાં નક્કી કરી ચૂક્યા છે.ચર્ચા શરૂ થતી સાથે જ ઈરાને થોડા સમય માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કેટલાક વિસ્તારો બંધ કર્યા હતા.જળમાર્ગ વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ઘટનાના પગલે વૈશ્વિક તેલના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો,ઈરાન અગાઉ પણ હુમલાની સ્થિતિમાં આ માર્ગ બંધ કરવાની ધમકી આપી ચૂક્યું છે.
ઈરાનની કડક ચેતવણી
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનીએ અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું છે કે શાસન બદલવાના કોઈ પ્રયાસ સફળ નહીં થાય.બીજી તરફ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે ઈરાન કરાર કરવા ઈચ્છે છે અને કરાર ન થવાથી ગંભીર પરિણામો આવી શકે છે.જો કે ઈરાન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તે માત્ર પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા કરવા તૈયાર છે અને તે સંપૂર્ણ રીતે યુરેનિયમ સમૃદ્ધિ પ્રક્રિયા બંધ નહીં કરે.
પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધો મુદ્દે મતભેદ યથાવત
અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર પરમાણુ હથિયાર બનાવવાનો આરોપ લગાવે છે, જ્યારે ઈરાન તેનો કાર્યક્રમ શાંતિપૂર્ણ હોવાનું કહે છે.ઈરાન પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો તેના અર્થતંત્ર પર ભારે અસર કરી રહ્યા છે.ઈરાન પરમાણુ નિરીક્ષણ માટે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથે સહકાર આપવા સંમત હોવાનું કહે છે. હવે આગામી ચર્ચાઓમાં બંને દેશો વચ્ચે સમજૂતી બને છે કે નહીં તે પર સમગ્ર વિશ્વની નજર રહેશે.