ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં સરકાર સામે હાલમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનો ફાટી નિકળ્યા, જેની આગેવાની જનરેશન ઝેડ કે જેન ઝેડ તરીકે ઓળખાતી વયજૂથની યુવા પેઢીના લોકો લઇ રહ્યા હતા. ૨૦૩૦નો ફૂટબોલ વર્લ્ડ કપ સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોમાં સહિયારી રીતે યોજાનાર છે. મોરોક્કોની સરકાર આ ફૂટબોલ વર્લ્ડ કપ માટે માળખાગત સુવિધાઓ ઉભી કરવા અંદાજે ૩૫ અબજ ડોલર જેટલો જંગી ખર્ચ કરવાનું આયોજન ધરાવે છે, જ્યારે બીજી બાજુ દેશમાં આરોગ્ય અને શિક્ષણની સેવાઓ કથળેલી છે અને યુવાનોમાં બેરોજગારી પણ વ્યાપક છે.
આથી સરકાર ફૂટબોલ વિશ્વકપના આયોજન પાછળ આટલો જંગી ખર્ચ કરે તેની સામે લોકરોષ ફાટી નિકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ જેવા દેશોએ છેલ્લા કેટલાક સમયમાં યુવા પેઢીની આગેવાની હેઠળના અજંપા જોયા છે, જેમાં નેપાળના સરકાર વિરોધી આંદોલનમાં જેન ઝેડ શબ્દ વધુ પ્રચલિત બન્યો છે. યુવાપેઢીના આંદોલનોએ બાંગ્લાદેશ, નેપાળમાં સરકારો ઉથલાવી છે હવે મોરોક્કોમાં આવું આંદોલન શરૂ થયું છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવનાર આંદોલનમાં પણ યુવાનો અને વિદ્યાર્થીઓ જ મોખરે હતા પણ તે જેન ઝેડ વિરોધ પ્રદર્શનો તરીકે ઓળખાયા નહીં, કારણ કે તેમાં યુવા આક્રોશ કરતા કદાચ રાજકારણ વધારે હતું.
જનરલ ઝેડ વિરોધ અથવા જનરલ ઝેડ ક્રાંતિ એ એવા શબ્દો છે જે મીડિયા આઉટલેટ્સની શ્રેણી દ્વારા અપનાવવામાં આવ્યા છે. જે 2023 થી મુખ્યત્વે જનરેશન ઝેડ દ્વારા સંચાલિત દેશોમાં થઈ રહેલા વિવિધ વિરોધ પ્રદર્શનોનું વર્ણન કરે છે. આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 2024 કેન્યા ફાઇનાન્સ બિલ વિરોધ પ્રદર્શનનું વર્ણન કરવા માટે કરવામાં આવ્યો હતો, જે મોટાભાગે વિવાદાસ્પદ કર વધારા સામે યુવાનોની આગેવાની હેઠળનુ઼ સામૂહિક વિરોધ આંદોલન હતુ.
2025 માં નેપાળી સરકારની હકાલપટ્ટી પછી આ શબ્દને વ્યાપક વૈશ્વિક લોકપ્રિયતા મળી. આ વિરોધ પ્રદર્શનો સામાન્ય રીતે સરકારી કૌભાંડો, સંસાધનોની પહોંચમાં વધતી મુશ્કેલી અને જીવનધોરણમાં ઘટાડો થવાને કારણે ઉદ્ભવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનોને ગોઠવવા અને સંકલન કરવામાં મદદ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જનરેશન Z એટલે આશરે ૧૯૯૭ અને ૨૦૧૨ ની વચ્ચે જન્મેલા લોકો. ૨૦૨૫ સુધીમાં, આ વય શ્રેણીનો અર્થ એ છે કે જનરેશન Z વ્યક્તિઓ ૧૩ થી ૨૮ વર્ષની વચ્ચે છે.
એક વિશ્લેષણમાં આ વિરોધ પ્રદર્શનોને જેન ઝેડના વિરોધ પ્રદર્શનો ગણાવવામાં આવ્યા છે. એશિયન સ્પ્રિંગ, જેને 2020ના દાયકામાં સમગ્ર એશિયામાં યુવાનો દ્વારા સંચાલિત વિરોધ પ્રદર્શનો અને બળવાની શ્રેણી તરીકે વર્ણવવામાં આવ્યું છે. નેપાળી જેન ઝેડ વિરોધ, સપ્ટેમ્બર 2025 સરકારી ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ સામે વિરોધ. ઓગસ્ટ 2025 ઇન્ડોનેશિયન વિરોધ પ્રદર્શનો, સપ્ટેમ્બર 2025 ફિલિપાઇન દેખાવો, 2025 માલાગાસી વિરોધ, જીવનધોરણ અંગે મેડાગાસ્કરમાં સરકાર વિરોધી દેખાવો, 2025 મોરોક્કન જનરલ ઝેડ વિરોધ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરોક્કોમાં સરકાર વિરોધી પ્રદર્શનો વગેરેને જેન ઝેડ કે જનરેશન ઝેડના વિરોધ પ્રદર્શનો ગણાવવામાં આવ્યા છે. જેન ઝેડ કે જનરેશન ઝેડના વિરોધ પ્રદર્શનો એ યુવાનોના વિરોધ પ્રદર્શનો કે આંદોલનો છે. હાલના યુવાનો માટે ઇન્ટરનેટ જેવા માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં રહેવાનું સરળ બની ગયું છે અને જેન ઝેડ દેખાવોના સંકલનમાં પણ તે મદદરૂપ નિવડે છે.