SURAT

“આપ”ની દોઢ ડહાપણ: સામાન્ય સભામાં મચ્છીમાર્કેટ બનતા શાસકો ગંભીર મુદ્દાથી બચી ગયા!

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting) બુધવારે મનપાના સરદાર હોલમાં મળી હતી, જેમાં પ્રથમ વખત વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) અને શાસકોનો આમનોસામનો થયો હતો. જો કે, બંને પક્ષમાં બિનઅનુભવી સભ્યો (inexperience member)નું પ્રમાણ મોટું હોવાથી સામાન્ય સભામાં તંદુરસ્ત ચર્ચાને બદલે મચ્છીમાર્કેટ જેવા શોરબકોર અને ગૃહની ગરીમા નેવે મૂકતાં દૃશ્યો સામાન્ય થઇ પડ્યાં છે. શાસકોએ બહુમતિના જોરે વિપક્ષ (Opposition)ના અવાજને દબાવવા પ્રયાસ કર્યો તો વિપક્ષના સભ્યોએ પણ કોઇ નક્કર મુદ્દો ઉઠાવી શાસકોને ભીંસમાં લેવાને બદલે નક્કામો શોરબકોર કર્યો હતો.

તેમાં પણ કતારગામના ઉત્રાણ-કોસાડ વિસ્તારની સુમન હાઈસ્કૂલ નં.19 ધોરણ-9નો વર્ગ શરૂ કરવાની દરખાસ્તમાં વિપક્ષી સભ્ય કનુ ગેડિયાએ સુધારો મૂકી એક જ નહીં પણ જરૂર પડે તેટલા વર્ગો શરૂ કરવા અને ધોરણ-10ના પણ વર્ગ શરૂ કરવાનો સુધારો મૂક્યો હતો. જેમાં અધ્યક્ષ સ્થાનેથી મેયર હેમાલી બોઘાવાલાએ વોટિંગનું રૂલિંગ આપ્યું હતું તેમજ સુધારાની તરફેણમાં 24 અને સુધારાની વિરુદ્ધ 87 મત પડતાં સુધારો ઊડી ગયો હતો. દરમિયાન ચર્ચામાં વિપક્ષના સભ્યએ આકરા પ્રહારો કરતાં મેયરે તેને સસ્પેન્ડ કરી દીધા હોવાથી સિક્યુરિટી ગાર્ડની મદદથી ટીંગાટોળી કરી બહાર કઢાયા હતા. આ સાથે જ વિપક્ષના તમામ સભ્યોએ પણ અન્ય મુદ્દાઓ પર સભાગૃહમાં શાસકોનો સામનો કરવાને બદલે એકસાથે વોક આઉટ કરી શાસકોનો રસ્તો સરળ કરી દીધો હતો. અને વિપક્ષના વોક આઉટ બાદ શાસકોએ માત્ર 10 મિનીટમાં તમામ કામો એકસાથે મંજૂર કરી દીધાં હતાં.

પે એન્ડ પાર્ક, વેક્સિનેશન તેમજ ખાડી પૂર જેવા ગંભીર મુદ્દાની ચર્ચા જ સભાગૃહમાં ના થઈ

પારદર્શન વહીવટના નામ પર મજબૂત વિપક્ષ તરીકે ચુંટાઇ આવેલા આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા અન્ય મુદ્દા પર સવાલો ઉઠાવવા પ્રયાસ કરાયો હતો. પરંતુ ઝીરો અવર્સમાં પણ શાસકો પર જે મુદ્દે માછલાં ધોવાયાં છે તે પે એન્ડ પાર્કના ઇજારામાં ગોલમાલ, શાસકોની અણઘડતાના કારણે ખાડીપૂરની સમસ્યા કે પછી સૌથી વધુ સળગતા પ્રશ્ન એવા વેક્સિનેશનની હાડમારી બાબતે તો કોઇ ચર્ચા જ નહોતી થઇ. જો કે, એક મુદ્દો એવો પણ છે કે વિપક્ષમાંથી માત્ર વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીને શૂન્યકાળમાં રજૂઆતની તક અપાયા બાદ માત્ર સાત આઠ મિનીટમાં જ તેને સભા અધ્યક્ષ દ્વારા રૂલિંગ આપી બેસાડી દેવાયા હતા, તેથી પણ પૂરતી રજૂઆતો થઇ શકી નહોતી.

Most Popular

To Top