નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ (Hamas) વચ્ચેના યુદ્ધને (War) બે મહિનાથી વધુ સમય પસાર થઇ ચુક્યો છે. તેમજ કતારની મધ્યસ્થી અને હસ્તક્ષેપ બાદ 24 નવેમ્બરે યુદ્ધમાં 4 દિવસ માટે વિરામ આવ્યો હતો. પરંતુ ફરી એકવાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. દરમિયાન ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ હમાસના આતંકવાદીઓ (Terrorist) વિરુદ્ધ એક વીડિયો (Video) શેર કર્યો. સાથે જ તેમણે હમાસ ઉપર ગાઝાના નાગરિકોને મારવાનો અને ગાઝાને આપવામાં આવતી સહાયને કીટની ચોરી (Theft) કરવાનો આરોપ મૂક્યો છે.
IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક ગાઝાના લોકોને અજાણ્યા લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. તેમજ કેટલાક લોકો વાહનોમાંથી સામગ્રી ચોરી કરતા જોવા મળ્યા હતા. આ સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે હમાસના આતંકીઓ નાગરિકોને મારતા હતા અને ઇઝરાયેલ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળેલી સહાય કીટની ચોરી કરે છે. હમાસ પોતાના લક્ષ્યોને ગાઝાના નાગરિકોની જરૂરિયાતો કરતા ઉપર રાખે છે.
IDFનું કહેવું છે કે ગાઝામાં અલ-મવાસી એક માનવતાવાદી ક્ષેત્ર છે. જેનો હેતુ લોકોને યુદ્ધના મેદાનથી દૂર રાખવાનો છે. પરંતુ હમાસ ફાયરિંગ દરમિયાન નાગરિકોને સામે રાખે જેથી નાગરિકોના મૃત્યુ થાય છે અને હમાસના લોકોનો બચાવ થાય છે.
ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં IDFએ વધુમાં કહ્યું કે અલ-માવાસી બચાવ શિબિરની નજીકથી ડઝનબંધ રોકેટ છોડે છે. આ રોકેટો ઘણીવાર ખોટી રીતે છોડવામાં આવે છે. જેનાથી ગાઝાના લોકોના જીવ જોખમમાં મુકાય છે. અગાઉ IDFએ કહ્યું હતું કે હમાસના આતંકવાદીઓ IDF દળો પર ગોળીબાર કરવા માટે બેટ હનુનમાં એક શાળા અને મસ્જિદનો ઉપયોગ કરી રહ્યા હતા.
દરમિયાન, IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે શનિવારે ગાઝા પટ્ટીમાં હમાસના કેટલાક સભ્યોએ સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે શેજૈયા અને જબલિયામાં આત્મસમર્પણ કરનારા આતંકવાદીઓએ તેમને શસ્ત્રો અને સાધનો સોંપ્યા છે. આ સિવાય તેણે ગુપ્તચર માહિતી પણ શેર કરી હતી.
હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધ દરમિયાન ઇઝરાયલે હમાસના સભ્યોની કાર્યવાહીના વિડીયો ઘણી વખત જાહેર કર્યા છે. ફરી એકવાર ઈઝરાયેલની સંરક્ષણ દળોએ આરોપો લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કરીને લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા. ત્યાં 1200 લોકો માર્યા ગયા. આ ઉપરાંત ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટીમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા છે.