Business

ગૌતમ અદાણી 70 વર્ષે થશે રિટાયર, જાણો કોને આપશે કરોડોની સંપત્તિ!

નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) 70 વર્ષની ઉંમરે રિટાયર થવાની જાહેરાત કરી હતી. અસલમાં એક ઇન્ટરવ્યુ (Interview) દરમિયાન ભારતના બીજા ક્રમાંકના સૌથી ધનીક વ્યક્તિ ગૌતમ અદાણીએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પોતાની સંપત્તિના વારસદારોના પણ નામ જાહેર કર્યા હતા.

ગૌતમ અદાણી હાલમાં 62 વર્ષના છે ત્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે તેઓ 2030 ના દાયકાની શરૂઆતમાં રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યા છે. તેમજ તેઓએ અદાણી જૂથનું નિયંત્રણ તેમના પુત્રો અને ભત્રીજાઓને સોંપવાની યોજના બનાવી છે. અસલમાં ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં આ પ્લાનનો ખુલાસો કર્યો હતો. અદાણીના જણાવ્યા મુજબ જ્યારે તેઓ નિવૃત્ત થશે ત્યારે તેમના ચાર વારસદારો – પુત્રો કરણ અને જીત અને ભત્રીજા પ્રણવ અને સાગરને તેમને તમામ સંપત્તિ મળશે. તેમજ આ ચારેય કુટુંબ અને ટ્રસ્ટના સમાન લાભાર્થી બનશે.

અહેવાલમાં જણાવાયું છે કે રિટાયરમેન્ટ બાદ ગૌતમ અદાણિ એક ગુપ્ત કરાર કરી અદાણી જૂથની કંપનીઓમાં રહેલો હિસ્સો પોતાના ચાર વારસદારોને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ કરશે. આ મામલે ખાનગી ન્યૂઝ એજન્સીએ અદાણી ગ્રુપ પાસેથી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને તાત્કાલિક અસરથી જવાબ મળ્યો ન હતો.

અદાણી ગ્રુપમાં હાલમાં કોણ કયું પદ ધરાવે છે?
અદાણી ગ્રૂપની વેબસાઈટ અનુસાર ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે તેમના નાના પુત્ર જીત અદાણી, અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર છે. આ સાથે જ વેબસાઈટ અનુસાર પ્રણવ અદાણી, અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર છે અને સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

કોણ બનશે અદાણી ગ્રુપના ચેરમેન?
હાલ કરણ અને પ્રણવને ચેરમેન બનવા માટે સૌથી મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “વ્યવસાયને ટકાવવા માટે વારસદારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં આ વિકલ્પ બીજી પેઢી પર છોડી દીધો છે કારણ કે કંપનીમાં થનારું પરિવર્તન એ ખુબ જ ઓર્ગેનિક, ક્રમિક અને ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ.”

મુશ્કેલીના સમયમાં આખો પરિવાર સાથે મળીને નિર્ણય લેશે
ગૌતમ અદાણીની આ જાહેરાત બાદ અદાણી કુટુંબના બાળકોએ જણાવ્યું હતું કે જ્યારે ગૌતમ અદાણી તેમનું પદ છોડશે ત્યારે સંકટ કે કોઈ મોટી વ્યૂહાત્મક પરિસ્થિતિમાં સમગ્ર પરિવાર સાથે મળીને નિર્ણય લેવાનું પસંદ કરશે. જણાવી દઇયે કે આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બમણા કરતાં વધુ નફો નોંધાવ્યો છે.

Most Popular

To Top