નવી દિલ્હી: ચૂંટણી પરિણામોના (Election results) દિવસે મંગળવારે શેરબજારમાં ત્સુનામી જોવા મળી હતી. ચૂંટણી પરિણામો દરમિયાન શેરબજારના (Stock market) રોકાણકારોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા હતા, ત્યારે પીઢના ભારતીય અબજોપતિઓને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. જેમાં ગૌતમ અદાણીથી (Gautam Adani) લઈને મુકેશ અંબાણીની (Mukesh Ambani) સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતની લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થયો હતો. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પણ તેઓ 4 સ્થાન નીચે આવી ગયા હતા. આ સાથે જ તેઓ 100 અબજ ડોલરના ક્લબમાંથી પણ બહાર આવી ગયા હતા. મંગળવારે અદાણી ગ્રૂપના શેરમાં ભારે વેચવાલીને કારણે અદાણીએ આ નુકસાન ભોગવવું પડ્યુ હશે, તેમ અનુમાન પણ લગાવવામાં આવ્યુ હતુ. અસલમાં ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલ પ્રમાણે ન આવવાને કારણે મંગળવારે સેન્સેક્સમાં લગભગ 4500 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો છે.
ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર 1 જ દિવસમાં 24.9 બિલિયન ડોલર એટલે કે 2077 બિલિયન રૂપિયાનો ઘટાડો થયો હતો. આ કારણે તેમની કુલ સંપત્તિ ઘટીને $97.5 બિલિયન થઈ હતી. તેમજ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી 4 સ્થાન નીચે એટલેકે 15માં સ્થાને આવી ગયા હતા. આ પહેલા શુક્રવારે અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા અને મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા.
મુકેશ અંબાણીએ 750 અબજ રૂપિયા ગુમાવ્યા
મંગળવારે મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં એક જ દિવસમાં $8.99 બિલિયન અથવા લગભગ રૂ. 750 બિલિયનનો ઘટાડો થયો હતો. જેના કારણે અંબાણીની નેટવર્થ ઘટીને $106 બિલિયન થઈ હતી. હાલમાં તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 11મા સ્થાને છે. તેમજ તેઓ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.
અદાણીના શેરમાં ઘટાડો
મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર શરૂઆતના વેપારમાં 3.28 ટકા અથવા રૂ. 96 ઘટીને રૂ. 2843 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સનો શેર 2.16 ટકા અથવા રૂ. 27 ઘટીને રૂ. 1221 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અદાણી પાવરનો શેર 8.78 ટકા અથવા રૂ. 63 ઘટીને રૂ. 660 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 6.11 ટકા અથવા રૂ. 59 ઘટીને રૂ. 917 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સાથે જ અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ 1544 રૂપિયાનો ઘટાડો થયો હતો.