નવી દિલ્હી,તા. 12: આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં જેટલો વધારો થયો છે તેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિમાં થયો નથી. આ કિસ્સામાં, અદાણીએ એલન મસ્ક અને જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા છે. રોકાણકારોને કારણે અદાણીના પોર્ટથી લઇને પાવર પ્લાન્ટમાં ભરોસો દેખાડ્યો છે, જેના કારણે અદાણીની થેલી અબજો રૂપિયાથી ઉભરાઇ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણીની સંપત્તિ 2021 ના માત્ર થોડા મહિનામાં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ છોડી, સૌથી વધારે કમાણી કરનારા વ્યક્તિ બન્યા હતા. આ વર્ષે અદાણી ગ્રુપના એક સ્ટોક સિવાય તમામમાં 50% ની તેજી જોવા મળી હતી.
શેર બજારમાં અદાણી જૂથની કંપનીઓની કામગીરી વિશે વાત કરીએ તો આ વર્ષે અદાણી ટોટલ ગેસ લિ.ના સ્ટોક 96 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 90 ટકા, અદાણી ટ્રાન્સમિશન લિ.માં 79 ટકા, અદાણી પાવર લિ. અને અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.માં 52 ટકાનો વધારો થયો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. ગયા વર્ષે 500 ટકા ઉછળ્યો અને આ વર્ષે અત્યાર સુધીમાં 12 ટકા સુધી પહોંચ્યો છે.
મુકેશ અંબાણીએ આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં 8.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો. અદાણી ભારતમાં બંદરો, એરપોર્ટ, ડેટા સેન્ટરો અને કોલસાની ખાણોને જોડીને ઝડપથી પોતાના સમૂહનું વિસ્તરણ કરી રહ્યા છે.