National

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત: AQI 400 પાર, NCRમાં પણ ઝેરીલો સ્મોગ છવાયો

રાજધાની દિલ્હી અને NCRમાં હવાપ્રદૂષણ સતત વધી રહ્યું છે. આજ રોજ તા. 20 નવેમ્બર ગુરુવારે સવારે દિલ્હીમાં ઘાટો ઝેરી સ્મોગ છવાયો હતો અને મોટાભાગના વિસ્તારોમાં AQI 400ને પાર કરી ગયો હતો. હવાની આ ઝેરી સ્થિતિને કારણે લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધુ વધી છે.

દિલ્હીમાં AQI 400 પાર- સ્થિતિ ગંભીર
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દિલ્હીના અનેક વિસ્તારોની વાયુગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ થી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. આજ રોજ ગુરુવારે સવારે 7 વાગ્યે શહેરનો સરેરાશ AQI 399 નોંધાયો હતો. જે ગંભીર પ્રદૂષણની કગાર પર છે. કેટલાક વિસ્તારોમાં AQI 450–480 વચ્ચે નોંધાયો હતો જે અત્યંત જોખમી માનવામાં આવે છે.

પંજાબી બાગમાં AQI 439, આનંદ વિહારમાં 420, બાવાનામાં 438, બુરાડીમાં 414 અને જહાંગીરપુરીમાં 451 નોંધાયો હતો. વઝીરપુર સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં રહ્યો જ્યાં AQI 477 સુધી પહોંચી ગયો. અલીપુર (366), ચાંદની ચોક (418), ITO (400), દ્વારકા (411) અને નરેલા (392)માં પણ સ્થિતિ ચિંતાજનક છે.

NCRના શહેરોમાં પણ ઝેરી સ્મોગનો કહેર
દિલ્હી જ નહીં પણ આસપાસના વિસ્તારોમાં પણ પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. નોઇડા સેક્ટર-62માં AQI 348, ગાઝિયાબાદના વસુંધરામાં 430, ઈન્દિરાપુરમમાં 428 અને ગુરુગ્રામ સેક્ટર-51માં 342 નોંધાયો હતો. NCRમાં હવા ગુણવત્તા છેલ્લા કેટલાક દિવસોથી સતત ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહી છે.

ગત રોજ બુધવારે પણ દિલ્હીનો સરેરાશ AQI 392 જેટલો રહ્યો હતો. સતત વધતા આંકડા દર્શાવે છે કે પ્રદૂષણમાં કોઇ ઘટાડો થતો નથી.

AQIનું માપદંડ શું કહે છે?
CPCB અનુસાર AQI 0–50 ‘સારું’, 51–100 ‘સંતોષકારક’, 101–200 ‘મધ્યમ’, 201–300 ‘ખરાબ’, 301–400 ‘ખૂબ જ ખરાબ’ અને 401–500 ‘ગંભીર’ માનવામાં આવે છે. દિલ્હીની હાલની સ્થિતિ ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગઈ છે. જે આરોગ્ય માટે અત્યંત જોખમી છે.

જનજીવન પર અસર- કડક પગલાંની માંગ
વધતા પ્રદૂષણને કારણે લોકોમાં આંખ, ગળા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. પર્યાવરણ નિષ્ણાતો અને નાગરિક સંગઠનો શાળાઓ બંધ કરવા, બાંધકામ પર પ્રતિબંધ અને વાહન સંખ્યા ઘટાડવા જેવા તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.

દિલ્હી ફરી એકવાર ઝેરી સ્મોગની ચાદરમાં કેદ થઈ ગઈ છે અને સ્થિતિ ઝડપથી વધુ ગંભીર બની રહી છે.

Most Popular

To Top