ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને શહેરોથી આગળ વધારી હવે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો સુધી લઈ જવા માટે મહત્વપૂર્ણ નિર્ણય તરફ આગળ વધી છે. દેશના અન્ય રાજ્યોના સફળ મોડલ અપનાવી રાજ્યના પસંદગીના ગ્રામ્ય વિસ્તારોમાં રેડીમેઇડ ગારમેન્ટ્સ (RMG) કલસ્ટર્સ ઉભા કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને નીતિ આયોગ દ્વારા ઓળખાયેલા મહત્વકાંક્ષી આદિવાસી જિલ્લાઓમાં કૌશલ્ય વિકાસ સાથે નવી નોકરીઓનું સર્જન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
રાજ્યના ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારી મુજબ, કેન્દ્ર સરકારે ગુજરાતમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક (PM MITRA Park)ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે નવસારી જિલ્લાના વાંસી ગામમાં સ્થાપિત થવાનો છે. આ પાર્ક 5F વિઝન (Farm to Fibre to Fabric to Fashion to Foreign) પર આધારિત છે અને ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન, મૂડીરોકાણ આકર્ષણ અને વ્યાપક રોજગારી સર્જનનું કેન્દ્ર બનશે. ટેક્સટાઇલ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઇન મજબૂત કરવા આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કલસ્ટર્સ વિકસાવવામાં આવશે.
ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 30 ટકા અને કાપડ ઉત્પાદનમાં 35 ટકા ફાળો છે. સૂચિત પીએમ મિત્રપાર્ક રાજ્યને વૈશ્વિક ટેક્સટાઇલ નકશા પર વિશિષ્ટ ઓળખ આપશે. દાહોદ, નર્મદા, તાપી અને છોટા ઉદેપુર જેવા આદિવાસી જિલ્લાઓને અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ હબ્સ સાથે આઉટસોર્સિંગ દ્વારા જોડવામાં આવશે, જેના કારણે મહિલા અને યુવાનોની રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે.
દાહોદ અને નર્મદા જેવા પછાત જિલ્લાઓમાં બેરોજગારી દર 8 થી 12 ટકા વચ્ચે છે અને મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી ઓછી છે. રાજ્યની કુલ વસતીમાં આશરે 15 ટકા આદિવાસી વસ્તી છે. આ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવા માટે આઉટસોર્સિંગ આધારિત ગારમેન્ટ કલસ્ટર્સ અને યુનિટ્સ સ્થાપવામાં આવશે.
દેશમાં આરએમડી ક્ષેત્રે 40 લાખ લોકોને રોજગારી
રેડીમેઇડ ગારમેન્ટ્સ (RMG) ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં 84 ટકા યોગદાન આપે છે અને ચાર મિલિયનથી વધુ કામદારોને, જેમાં મોટાભાગે મહિલાઓ છે, રોજગારી પૂરી પાડે છે. તામિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ગ્રામીણ આઉટસોર્સિંગ સફળ સાબિત થયું છે. તિરૂપુર (તામિલનાડુ) નીટવેર ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રેસર છે અને તેની સપ્લાય ચેઇનના ભાગો ગ્રામીણ વિસ્તારોમાં આઉટસોર્સ કરીને 10 હજારથી વધુ સીધી નોકરીઓ ઊભી કરી છે. આ મોડલ અમદાવાદ અને સુરત સાથે ભાગીદારીમાં ગુજરાતમાં અમલમાં મૂકી શકાય તેમ છે.
ગ્રામીણ આઉટસોર્સિંગથી મજૂરી ખર્ચ ઘટે છે, સ્થાનિક રોજગારી વધે છે, સ્થળાંતર ઘટે છે અને એમએસએમઇ તથા મહિલા સશક્તિકરણને વેગ મળે છે.
પ્રથમ તબક્કે 20 હજાર નોકરીઓ
હાલ ગુજરાતના ટેક્સટાઇલ હબ્સમાં 1500થી વધુ ગારમેન્ટ ઉત્પાદન એકમો કાર્યરત છે. પીએમ મિત્રપાર્ક પ્રગતિમાં હોવાથી કાપડ અને વસ્ત્ર ઉત્પાદનમાં વધારાની ક્ષમતા વિકસાવવામાં આવી છે. આ હબ્સ ગ્રામીણ વિસ્તારોમાં આઉટસોર્સિંગની વિશાળ તકો ઊભી કરશે. સાથે પરિવહન નેટવર્ક વિકસાવવામાં આવશે અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના તથા સ્ટેન્ડઅપ ઇન્ડિયા મારફતે નાણાકીય સહાય આપવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 20 હજાર નોકરીઓનું સર્જન થશે અને અંદાજે 25 ટકા શહેરી સ્થળાંતર ઘટશે.
ટેક્સટાઇલ હબ્સમાંથી આઉટસોર્સિંગની યોજના
- અમદાવાદ – સ્ટીચીંગ, એમ્બ્રોઇડરી, થ્રેડ કટીંગ, પોલી પેકિંગ, ગારમેન્ટ ફિનિશિંગ
- સુરત – ગારમેન્ટ એસેમ્બલી, પેકેજિંગ, ફ્યુઝિંગ, ટિયરિંગ, નંબરિંગ
- પીએમ મિત્રપાર્ક – ગ્રામીણ સેટિંગમાં હાઈ-ટેક, મૂલ્યવર્ધિત વસ્ત્રોનું ઉત્પાદન