સુરત: આગામી 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો તહેવાર (Ganesh utsav) છે. સુરત (Surat)માં ગણેશોત્સવની ઉજવણી (Celebration) ભારે ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ ગયા વર્ષે કોરોના (Corona)કાળને કારણે તંત્ર દ્વારા આ ઉજવણી સાર્વજનિક રીતે કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો હવે સંક્રમણમાં પણ ઘટાડો થયો છે.
પરંતુ કોરોનાની ત્રીજી લહેર (Third wave)ની શક્યતા વચ્ચે આ વર્ષે ગણેશ ઉત્સવ કરવો કે કેમ કરવો તે અંગે હજી સુધી તંત્ર દ્વારા કોઈ ગાઈડલાઈન (Guideline) નક્કી કરવામાં આવી નથી જેથી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ (Ganesh utsav committee) દ્વારા કલેક્ટર, મનપા કમિશનર અને મેયરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગણેશોત્સવની ઉજવણી માટે જલદીથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે.
સુરત શહેર હજુ માંડ કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી છે. આ ત્રીજી લહેરની ચર્ચાઓ વચ્ચે ગણપતિ ઉત્સવ કેવી રીતે ઉજવવો તેને લઈને પણ ગણેશ ભકતોમાં ભારે મૂંઝવણ દેખાઈ રહી છે. ગણેશ ઉત્સવને થોડો સમય બાકી છે, ત્યારે કયા પ્રકારની ગાઇડ લાઇનનો અમલ કરવો છે. તેની સ્પષ્ટતા હજુ સુધી મનપા કે વહિવટી વિભાગ દ્વારા કરવામાં આવી નથી. કારણ કે, સુરતમાં દર વર્ષે ગણેશોત્સવની તૈયારી ઘણા મહિનાઓ પહેલાથી શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વખતે કોરોનાકાળને કારણે કઈ રીતની ગાઈડલાઈન રહેશે તે અંગે તાકીદે નિર્ણય લેવામાં આવે તે માટે સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ અગ્રણીઓ, મૂર્તિકારો અને વીએચપીએ ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમની માંગણી હતી કે, તંત્ર સાદગીપૂર્ણ ઉજવણીની પરવાનગી આપે તથા મંડપ બનાવવા માટેના માપદંડ, મૂર્તિની ઉંચાઈ સહિતની ગાઇડલાઇન વહેલી તકે જાહેર કરે જેથી આ ઉત્સવ સાથે જોડાયેલા તમામ લોકોને કોઇ નુકશાન ન થાય. શહેરમાં 1 લાખથી વધારે નાની મોટી મૂર્તિઓનું વેચાણ થાય છે અને 10 હજારથી વધુ ગણેશ મંડળો છે. આ ઉત્સવના કારણે શહેર-જિલ્લામાં 1 લાખ જેટલા લોકોને રોજગાર મળે છે. શહેરમાં મૂર્તિના 12 કરોડના વેપાર ઉપરાંત ડેકોરેશન, ડી.જે., લાઇટિંગ, વિસર્જન માટેના વ્હીકલ, કેટરર્સ સહિતનો 4 કરોડથી વધુનો વેપાર છે.
ઉલ્લેખનીય છે કે પીઓપીની મૂર્તિ સસ્તી, ટકાઉ અને ઓછા સમયમાં બનતી હતી પણ માટીની મૂર્તિને પ્રમોટ કરાતા હવે કારીગરો પણ નથી મળતા અને માટીની મૂર્તિ વધુ સમય સાચવી પણ શકાતી નથી. જેથી મૂર્તિઓ બહારથી જ મંગાવવી પડે છે. ત્યારે હવે 80 ટકા માટીની મૂર્તિઓની ડિમાન્ડ છે. સરકાર ગાઇડલાઇન જાહેર નહીં કરે તો મોટું નુકશાન થઈ શકે છે.