Gujarat

ગાંધીનગરમાં 17 થી 19 ઑગસ્ટ દરમ્યાન G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનો આરંભ

ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની (Health Ministers) બેઠક યોજવામાં આવશે. ભારતે તા.1લી ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે.

G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ, સજ્જતા અને પ્રતિભાવ; સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ (રસીઓ, ઉપચાર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.

17 ઑગસ્ટ 2023ના રોજ G20ના ડેપ્યુટીઓની બેઠક અને 18-19 ઑગસ્ટ, 2023ના રોજ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક ઉપરાંત, વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર – ઇન્ડિયા 2023; WHO પરંપરાગત દવા વૈશ્વિક સંમેલન; ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023; અને ‘દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં ટીબીને નાબૂદ કરવા માટે સતત, ઝડપ પ્રયાસ અને આવિષ્કાર’ સંમેલન સહિત ચાર સમાંતર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ધ્યાન આપવાના કાર્યક્રમ તરીકે 19 ઑગસ્ટના રોજ નાણાં – આરોગ્ય મંત્રીઓ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠક દરમિયાન G20 અને સમાંતરરૂપે યોજાનારા કાર્યક્રમોના સંયુક્ત સત્રો પણ રહેશે.

આયુષ સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે G20 અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષોમાં, ભારતે પરંપરાગત દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં, સમગ્ર દેશમાં 12,500થી વધુ આયુષ-આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત થઇ જશે, જેમાંથી 8,500 કેન્દ્રો પહેલાંથી જ કાર્યરત છે.”

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલે ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ઓળખવામાં આવેલી ત્રણ મુખ્ય આરોગ્ય પ્રાથમિકતાઓ પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે પોષણક્ષમતા, સુલભતા અને ઉપયોગિતા એ ભારત દ્વારા ધ્યાન આપવામાં આવતા મુખ્ય પાસાઓ છે જે આપણને આરોગ્ય સંભાળમાં વૈશ્વિક સ્તર પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ભારત ગ્લોબલ સાઉથની ચિંતાઓને અવાજ આપવા માટે પોતાની G20ની અધ્યક્ષતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

જામનગરમાં સ્થાપવામાં આવેલું પરંપરાગત દવાઓનું વૈશ્વિક કેન્દ્ર કોઈ વિકાસશીલ દેશમાં શરૂ કરાયેલું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. કોટેચાએ પ્રકાશ પાડ્યો હતો કે, WHO દ્વારા ગુજરાતના જામનગરમાં સ્થાપવામાં આવેલું પરંપરાગત દવાઓનું વૈશ્વિક કેન્દ્ર, કોઇ વિકાસશીલ દેશમાં શરૂ કરવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. 17 અને 18 ઑગસ્ટ, 2023ના રોજ ગાંધીનગરમાં આયુષ મંત્રાલય દ્વારા સહ-આયોજિત પરંપરાગત દવા વૈશ્વિક સંમેલનનું આયોજન WHO દ્વારા કરવામાં આવશે, જે આરોગ્ય સંબંધિત ગંભીર પડકારોનો ઉકેલ લાવવા અને વૈશ્વિક આરોગ્ય તેમજ દીર્ઘકાલિન વિકાસમાં પ્રગતિને આગળ ધપાવવામાં પરંપરાગત, પૂરક અને સંકલિત દવાઓની ભૂમિકાનું અન્વેષણ કરશે.

મેડિકલ વેલ્યુ ટ્રાવેલ અને એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયા 2023 પર યોજાનારા બે કાર્યક્રમો એ G20 સહ-બ્રાન્ડિંગ હેઠળ યોજાનારા બે સમાંતર કાર્યક્રમો છે જેમાં સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ તંત્રના નિર્માણ માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે યોજાનારો આ સૌથી મોટો સરકારી ભંડોળથી યોજાનારો કાર્યક્રમ છે.

Most Popular

To Top