ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ આક્રમક બની છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ આક્રમક રૂપમાં જુદા જુદા મુદ્દાઓ સાથે રેલીઓ, સભાઓ અને આંદોલનના કાર્યક્રમો કરી રહી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સોમવારે યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી, પેપર ફૂટી જવાના મુદ્દે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસની મંજૂરી ન હતી. બીજી તરફ પોલીસ દ્વારા ગાંધીનગરમાં પ્રવેશતા તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા હતા. કોઈપણ રસ્તા પરથી એક પણ કાર્યક્રમ ગાંધીનગરમાં ન પ્રવેશે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસના યુવા કાર્યકરો સંમેલન યોજવા નીકળી પડ્યા હતા. જેના કારણે ગાંધીનગર જતા માર્ગ ઉપર ઠેર ઠેર પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. ગાંધીનગરના ઘ-0 સર્કલ પાસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, યુવા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ યુવક, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો આગેકૂચ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેઓને અટકાવ્યા હતા અને હાર્દિક પટેલ જીગ્નેશ પટેલ સહિત 200થી વધુ કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી તેમની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સત્યાગ્રહ છાવણી તરફ જવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી તમામને ડીએસપી ઓફિસ લઇ ગઈ હતી.
5000થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે મોડી રાત્રે જ ઉઠાવી લીધા હતા
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આયોજિત યુવા સ્વાભિમાન સંમેલનને પગલે પોલીસે વહેલી સવારથી જ કોંગ્રેસના યુવા કાર્યકરોની અટકાયત અને નજરબંધી શરૂ કરી દીધી હતી. રાજ્યભરમાં લગભગ ૫૦૦૦થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે મોડી રાત્રે જ ઉઠાવી લીધા હતા, અને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા, કપિલ દેસાઈ સહિત અનેક યુવા કાર્યકરોને પોલીસે વહેલી સવારથી નજર કેદ કરી લીધા હતા.