ગણદેવી : દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર કરાયા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા (Gandevi Municipality)એ સ્વચ્છતા(Cleanliness)માં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ગણદેવી પાલિકાએ છઠ્ઠો સ્ટેટ રેન્ક(6th Stat Rank) સાથે 130 મો સ્વચ્છતા ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે આયોજન સાથે કરાયેલી નક્કર કામગીરી ઊગી નીકળી
કેન્દ્ર સરકારે વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણ પરિણામોની ઓનલાઈન જાહેરાત કરી હતી. જેમાં ગણદેવી નગરપાલિકાની મહેનત રંગ લાવી હતી. ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે આયોજન સાથે કરાયેલી નક્કર કામગીરી કોરોના કાળમાં પણ ઊગી નીકળી હતી. અને સફાઈ સૈનિકોની મહેનત રંગ લાવી હતી. તે સાથે સ્વચ્છતામાં હરણફાળ ભરી મોટી છલાંગ લગાવી હતી. ગણદેવી નગરપાલિકા વર્ષ 2018 માં 554 અને 2019 માં 680માં ક્રમે હતી. જે બાદ 2020માં 440મો, 2021માં 369મો ક્રમ હતો. ગણદેવી પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલની ટીમે વર્ષ 2022 ના પરીણામમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. અને દેશભરમાં ઝોન લેવલે કુલ 295 માંથી 130મો ક્રમ અને રાજ્ય લેવલે ડ-વર્ગ ની 43 પાલિકા ઓ પૈકી છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે. કુલ 7500 માર્ક્સ પૈકી 3638.32 માર્ક પ્રાપ્ત કર્યા હતા. નગરપાલિકાનાં ઉત્કૃષ્ટ દેખાવને કારણે શહેરીજનો ગૌરવની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. અને પાલિકાની સમગ્ર ટીમ તેમજ સફાઈ સૈનિકોની મહેનતને બિરદાવી રહ્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં બીલીમોરા પાલિકાએ ઝોન કક્ષાએ 85 અને રાજ્યમાં 10 મો ક્રમ પ્રાપ્ત કર્યો
બીલીમોરા : સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર થયા છે. જેમાં બીલીમોરા નગરપાલિકાએ સ્વચ્છતામાં સારો દેખાવ કર્યો હતો. બીલીમોરા નગરપાલિકાએ 10મો સ્ટેટ રેન્ક સાથે 85 મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણ પરિણામોની ઓનલાઈન જાહેરાત કરી હતી. જેમાં બીલીમોરા નગરપાલિકાના સફાઈ સૈનિકોની મહેનત રંગ લાવી હતી. તે સાથે સ્વચ્છતામાં હરણફાળ ભરી મોટી છલાંગ લગાવી હતી. બીલીમોરા પાલિકાએ દેશભરમાં ઝોન કક્ષાએ 133 પૈકી 85 અને રાજ્ય લેવલે બ-વર્ગની 30 પાલિકામાંથી 10 મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. કુલ 7500 પૈકી 3160.21 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બીલીમોરા પાલિકાને વર્ષ 2021 માં 132 માંથી 84 મો ક્રમ પ્રાપ્ત થયો હતો. ઉત્કૃષ્ટ દેખાવને કારણે શહેરીજનો ગૌરવની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. અને પાલિકાની સમગ્ર ટીમ તેમજ સફાઈ સૈનિકોની મહેનતને બિરદાવી રહ્યા છે.