નવી દિલ્હી: પ્રયાગરાજમાં (Prayagraj) સોમવારે સવારે એક દુઃખદ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કરથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત (Death) થયા હતા. સરયમરેજ (Saryamrej) પોલીસ સ્ટેશન વિસ્તારના રસીપુર ગામમાં આ અકસ્માત સર્જાયો હતો. તેમજ અકસ્માત સર્જાતા જ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સરયમરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસીપુર ગામમાં સોમવારે સવારે લગભગ 10 વાગ્યે એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર પતિ-પત્ની, બે નાના બાળકો અને અન્ય એક મહિલા રોડ પર પડી ગયા હતા. ત્યાર બાદ ટ્રક ચાલકે આ તમામ પાંચ લોકોને કચડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ટ્રક ચાલકની અટકાયત
અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત જોઈને રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારે સમાચાર મળતા સરયમરેજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક અને ડ્રાઈવરની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના વડા યોગેશ પ્રતાપે જણાવ્યું હતું કે મૃતકો પૈકી એક મીરગંજ જૈનપુરનો રહેવાસી હતો. હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. તેમજ મૃતકોની ઓળખ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલા જ ઓવરબ્રિજ પર ટુરિસ્ટ બસ અને DCM વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી
થોડા સમય પહેલા જ હંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના તિલકપુર ઉપરદહા ગામ પાસે નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર ડીસીએમ અને પ્રવાસી બસ વચ્ચેની ટક્કર થઇ હતી. જેમાં પ્રવાસી બસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપરદહનમાં દાખલ કર્યા હતા. ઘાયલોની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી કુલ 55 લોકો પ્રવાસી બસમાં સવાર થઈને મહેંદીપુર બાલાજી, મથુરા, વૃંદાવન, વૈષ્ણો ધામ, ગોકુલ પરિક્રમા વગેરે જેવા તીર્થસ્થાનો માટે નીકળ્યા હતા. દરેક વ્યક્તિ વિવિધ સ્થળોની મુલાકાત લીધા પછી તેમના જિલ્લા નાગૌર પરત જઈ રહ્યા હતા. ત્યારે બુધવારે સવારે 3 વાગે પ્રવાસી બસ ઉપરદહાનના તિલકપુર ગામ પાસે નેશનલ હાઈવે ઓવર બ્રિજ પર પહોંચી કે તરત જ સામેથી આવી રહેલા એક ઝડપી ડીસીએમ સાથે અથડાઈ હતી. જેમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.