જો કોઈ નગર, શહેર, રાજ્ય કે પછી દેશની પ્રગતિ કરવી હોય તો તે પ્રદેશોને સૌથી વધુ રસ્તા સાથે જોડો. જેમ જેમ રસ્તા સાથે પ્રદેશો જોડાતા જશે તેમ તેમ તેનો આપોઆપ વિકાસ થશે અને તેના થકી દેશનો પણ વિકાસ થશે. ભૂતકાળમાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે લોકો પાસે એટલા વાહનો નહીં હોવાથી હાઈવેના વિકાસ પ્રત્યે એટલું ધ્યાન આપવામાં આવતું નહોતું પરંતુ સમયાંતરે વાહનો વધતા ગયા અને હવે એવી હાલત છે કે ભાગ્યે જ કોઈ સુખી પરિવાર એવું હશે કે જેની પાસે ફોર વ્હીલ નહીં હોય. બેંકો દ્વારા લોન આપવામાં આવી અને એક સમયે જે કાર લકઝરી આઈટેમ ગણાતી હતી તે હવે જરૂરીયાતનું સાધન બની ગઈ. ફોર વ્હીલ વધતાં નવા રસ્તાની જરૂરીયાત ઉભી થઈ અને તેને કારણે સરકારે નવા રસ્તાઓ બનાવવા પડ્યા.
પહેલા ટુ લેન, ફોર લેન, હવે સીક્સ લેન અને એઈટ લેનના રસ્તાઓ પણ બની રહ્યા છે. જોકે, હાઈવે બનવાની સાથે ટોલ ટેક્સ આવ્યો અને તે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. હાઈવે પર ધમધમતા ટ્રક, ટ્રેઈલર સહિતના કોમર્શિયલ વાહનો પાસેથી ટેક્સની વસૂલાત કરવામાં આવે તે સમજી શકાય પરંતુ જે કારમાં સામાન્ય લોકો સફર કરતાં હોય તેમની પાસેથી ટેક્સની વસૂલાત કેવી રીતે કરી શકાય? જોકે, સરકારે તેમની પાસેથી પણ વસૂલાત ચાલુ રાખી. સરકારની આ નીતિને કારણે કેટલાક ટોલનાકાના સંચાલકો એટલા બેફામ બની ગયા છે કે સરેઆમ લૂંટ ચલાવે છે. વિરોધ થવા છતાં પણ આ સંચાલકો ગાંઠતા નથી.
જોકે, હવે સરકારને થોડી સમજ આવી હોય તેવું લાગી રહ્યું છે. એક્સપ્રેસ વે હોય અને તેના પર ટોલ ટેક્સ લેવામાં આવે તો એક તબક્કે સમજી પણ શકાય પરંતુ એવો હાઈવે કે જેની પર કાર ચલાવવા માટે ટ્રાફિકનો સમાનો કરવો પડે તો તેની પર ટોલ ટેક્સ કેવો? એટલું જ નહીં, પરંતુ હવે તો એવું થયું છે કે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ હાઈવેની મરામતના નામે મીંડું હોય છે અને તેમાં પણ ચોમાસામાં હાઈવે પર વાહન ચલાવવું જોખમ સમાન છે. જોકે, હવે સરકાર વાહનચાલકોની તકલીફો સમજી રહી છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી હતી કે હાઈવે પર હવે દર 60 કિ.મી.ના અંતરે જ ટોલનાકું હશે. હાલમાં એવી સ્થિતિ છે કે, 30થી 40 કિ.મી.ના અંતરે જ ટોલનાકું આવી જાય છે અને લોકો લૂંટાય છે. જો 60 કિ.મી.ના અંતરે ટોલનાકું મુકવામાં આવશે તો લોકો લૂંટાતા બચશે. જે ટોલનાકું 60 કિ.મી.ની અંદર છે તે તમામ ટોલનાકા દૂર કરી દેવામાં આવશે. નીતિન ગડકરી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે ટોલ પ્લાઝા નજીક રહેતા લોકોને ટોલટેક્સમાંથી રાહત મળશે. આગામી 3 માસમાં આ યોજના અમલમાં પણ આવશે.
ગડકરી દ્વારા સતત હાઈવેના મામલે સુધારા લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે ગડકરીએ એ પણ ધ્યાન આપવાની જરૂરીયાત છે કે ટોલનાકા દ્વારા ટોલ ઉઘરાવવામાં આવ્યા બાદ તેની જવાબદારી પુરી કરવામાં આવે છે કે કેમ? હાલમાં આ ટોલનાકા પર નિયંત્રણ રાખવા માટે કે તેની કામગીરી તેઓ બજાવે છે કે કેમ? તે જોવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. જો વ્યવસ્થા હોય તો પણ તે નિભાવવામાં આવતી નથી. ગડકરી દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે કે ટોલનાકાના સંચાલકો દ્વારા પોતાની જવાબદારી પણ અદા કરવામાં આવે. સાથે સાથે જે હાઈવે પર ટોલનાકાના સંચાલકનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો હોય તો તેને રૂખસદ આપીને લોકોને ટેક્સ ફ્રી હાઈવેનો લાભ આપવામાં આવે. એક તરફ લોકો દ્વારા અનેક પ્રકારના વેરા ચૂકવવામાં આવે જ છે ત્યારે તેમને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવે તો કશું જ ખોટું નથી.