કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુર ખાતે વિશ્વેશ્વરૈયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (VNIT)માં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ભારતે વિશ્વગુરુ બનવા માટે આયાત ઘટાડીને નિકાસ વધારવી જરૂરી છે. તેમણે કહ્યું, “દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે,” એટલે કે જો આપણું જ્ઞાન, ટેકનોલોજી અને શક્તિ મજબૂત હશે તો વિશ્વ આપણાથી પ્રભાવિત થશે, આપણને ઝૂકવું નહીં પડે.
ગડકરીએ ભાર મૂક્યો કે સૌથી મોટી દેશભક્તિ એ છે કે આપણે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપીએ, આયાત પર આધાર ઘટાડી અને નિકાસ વધારીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વની અનેક સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન, ટેકનોલોજી અને જ્ઞાનમાં છે. જો ભારત આ ક્ષેત્રોમાં આગેવાની કરશે, તો કોઈ દેશ આપણને આર્થિક અથવા ટેકનોલોજીક રીતે દબાવી શકશે નહીં.
આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત પછી આવ્યું છે, જે તા.27 ઓગસ્ટથી અમલમાં આવશે. આથી હવે ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થશે.
ગડકરીએ કહ્યું કે કેટલાક દેશો પોતાની આર્થિક શક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજાઓને ધમકાવે છે. પરંતુ જો ભારત પાસે શ્રેષ્ઠ ટેકનોલોજી અને સંસાધનો હશે, તો આવી ધમકીઓ બેકાર સાબિત થશે. તેમણે ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં કહ્યું, “અમે હંમેશાં સમગ્ર વિશ્વના કલ્યાણની વાત કરી છે, માત્ર પોતાના હિતની નહીં.”
કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક સ્તરે વિકાસ અંગે પણ વાત કરી. તેમના કહેવા મુજબ, દરેક જિલ્લા અને રાજ્યમાં અનોખા સંસાધનો અને પડકારો હોય છે. જ્યાં કચરાનું પ્રમાણ વધારે છે, ત્યાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીક ઉકેલો અપનાવી શકાય છે. આ રીતે કાર્ય થશે તો દેશની વિકાસદર ત્રણ ગણો વધી શકે છે.
ગડકરીના આ વિચારો ભારતને આત્મનિર્ભરતા, ટેકનોલોજીક પ્રગતિ અને વૈશ્વિક મંચ પર મજબૂત સ્થાન માટે પ્રેરણા આપે છે.