લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી (જીગરા) એ આજે રામ નવમીના પવિત્ર અવસરે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે હવે પછી તેઓ ગુજરાતી ફિલ્મો માટે પ્લેબેક ગાયન નહીં કરે અને કોઈપણ ગુજરાતી લેબલ્સ અથવા યુટ્યુબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટ્સમાં ભાગ નહીં લે. આ પોસ્ટમાં તેમણે પોતાના નિર્ણયને જાહેર અને અંતિમ ગણાવ્યો હતો. ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ અને સંગીત પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિ લેવાના આ અચાનક નિર્ણયથી ગુજરાતી સંગીત અને ફિલ્મ ઉદ્યોગ, તેમના ચાહકો અને કલાકારોને આઘાત લાગ્યો છે. પોસ્ટમાં જીગરાએ પોતાની 10 વર્ષની સંગીત સફરને યાદ કરી હતી અને તેને અદ્ભુત ગણાવી હતી. તેમણે ચાહકો, સાથી કલાકારો અને સમગ્ર ઇન્ડસ્ટ્રીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો મારો શરૂ થયો છે. આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. નિરાશાની સાથે, ચાહકો પણ આ નિર્ણય પાછળનું કારણ જાણવા માટે ઉત્સુક છે. જોકે, નિવૃત્તિ પાછળનું ચોક્કસ કારણ જીગરાએ જાહેર કર્યું નથી, પરંતુ તેમના અગાઉના નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ હવે બોલિવૂડ અને અન્ય ભાષાઓમાં નવા પ્રોજેક્ટ્સ માટે આગળ વધવા માંગે છે. જીગરાએ અગાઉ જણાવ્યું હતું કે મોટા કોન્ટ્રાક્ટ્સ અને સર્જનાત્મક નિયંત્રણ ગુમાવવાના ભયને કારણે તેમણે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ન કર્યો હતો. તેઓ હંમેશા પોતાની કલાત્મક સ્વતંત્રતા જાળવવા માંગતા રહ્યા છે.
તેમણે સંગીત પ્રત્યેના પોતાના પ્રેમ વિશે પણ વાત કરતા કહ્યું કે બાળપણથી જ સંગીત તેમના માટે જીવનનું એક મહત્વનું કામ રહ્યું છે, અને તેમણે આજ સુધી 3,000થી વધુ ગીતો રચ્યા છે. હવે, તેઓ વિવિધ ભાષાઓના કલાકારો સાથે સહયોગ કરીને વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડવા માંગે છે. તેમના સુપરહિટ ગીતો જેમ કે વહાલમ આવો ને, ચાંદ ને કહો, અને મોગલ તારો આશ્રો એ તેમને ઘર-ઘરમાં જાણીતું બનાવ્યું છે. અસંખ્ય પુરસ્કારો અને સિદ્ધિઓ સાથે, જીગરાએ ગુજરાતી સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમનો આ નિર્ણય ચોક્કસપણે ગુજરાતી ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે, પરંતુ તે તેમના માટે એક નવી સંગીત યાત્રાના દ્વાર પણ ખોલી રહ્યા છે.
