સેલવાસ-દમણ: સંઘપ્રદેશ સેલવાસ પોલીસે (Police) ગડ્ડી ગેંગના 2 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા બન્ને આરોપીએ દા.ન.હ.ના એક શખ્સને બેંકના એટીએમમાં (Bank ATM) વાતમાં ભોળવી તેની પાસેથી રોકડા (Cash) રૂ.28 હજાર અને તેનો મોબાઈલ ફોન (Mobile Phone) લઈને રફૂચક્કર થયા હતા.
સેલવાસના મસાટ ગામના પાદરીપાડામાં રહેતા અશોક છગન હરજન 29 જૂલાઈ-22ના રોજ ટોકરખાડાના બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. જ્યાં એક વ્યક્તિ અશોક પાસે આવી તે ઉત્તર પ્રદેશનો વતની હોવાનું તથા તેની પાસે એક લાખ રૂપિયા એકાઉન્ટમાં હોય જે માતા પિતાને ઉત્તર પ્રદેશ મોકલવાનું જણાવ્યું હતું. દરમિયાન અન્ય એક બીજો વ્યક્તિ ત્યાં આવી એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા એક જ વારમાં નહીં જતાં હોવાનું જણાવ્યું હતું. વાતમાં ભોળવી ફરિયાદી અશોકને તેમના એકાઉન્ટમાંથી 50 હજાર આપવા જણાવ્યું હતું. તેમની પાસે રહેલા રોકડા પૈસા લઈ લેવા અનુરોધ કર્યો હતો. અશોક બન્ને ઠગોની વાતમાં આવી જતાં પહેલા વ્યક્તિએ અશોકને રૂમાલમાં વિટાળેલા ડૂપ્લિકેટ નોટનું બંડલ આપ્યું હતું. જેને લઈ અશોકે તેમના એટીએમમાંથી રોકડા રૂ.28 હજાર બન્નેને ઉપાડીને આપ્યા હતા. આ દરમ્યાન બન્ને ઠગોએ ફરી તેને વાતમાં ભોળવી તેનો મોબાઈલ ફોન અને 28 હજાર રૂપિયા ત્યાંથી લઈને ફરાર થઈ ગયા હતા.
થોડા સમય બાદ ફરિયાદી અશોકને છેતરાયાનો ભાસ થતાં જ તુરંત તેણે આ બાબતે સેલવાસ પોલીસ મથકમાં ફરિયાદ કરાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમ્યાન 5 ઓગસ્ટના રોજ જાણવા મળ્યું કે આ કામનો આરોપી બોઈસરમાં હોય આ પ્રમાણેની જાણકારી મળતા જ પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના બોઈસર ગામમાં રહેતો 24 વર્ષિય પ્રશાંત રાજેશ મિશ્રા (મૂળ ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં તેણે તેના સાથી સાથે આ કામ કર્યું હોવાનું કબુલ કર્યું હતું. જેને લઈ પોલીસે બીજા આરોપી વિષ્ણુ પ્રભાકર ગુપ્તા (ઉં.28, રહે. બોઈસર, મહારાષ્ટ્ર, મૂળ ઉત્તરપ્રદેશ)ની પણ 7 ઓગસ્ટના રોજ ધરપકડ કરી બન્ને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.