Entertainment

ગદર-2એ સ્વતંત્રતા દિવસ પર બમ્પર કમાણી કરીને રેકોર્ડ તોડ્યો, 200 કરોડની ક્લબમાં સામેલ

મુંબઈ: ગદર-2એ (Gadar-2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. સની દેઓલની (Sunny Deol) ફિલ્મ (Film) બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન (Collection) કર્યું તે ફિલ્મ સમીક્ષકોની કલ્પના બહારનું હતું. ગદર-2એ સ્વતંત્રતા દિવસે 55 કરોડનું ધમાકેદાર કલેક્શન કર્યું છે.

ગદર-2એ શુક્રવારે 40 કરોડના ધમાકેદાર આંક સાથે તેનું ખાતું ખોલ્યું હતું. બીજા દિવસે 43.08 કરોડનું કલેક્શન કર્યું. રવિવારે ત્રીજા દિવસે ફિલ્મે 51.7 કરોડની કમાણી કરીને ધમાલ મચાવી હતી.ચોથા દિવસની કમાણી 38.7 કરોડ હતી. જ્યારે પાંચમા દિવસના બિઝનેસથી ગદર-2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ગદર-2એ મંગળવારે (5માં દિવસે) 55 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું 5 દિવસનું કુલ કલેક્શન 228 કરોડ થઈ ગયું છે.

ગદર-2 એ રેકોર્ડ તોડ્યો
સની દેઓલની ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશી છે. ફિલ્મનું આટલું શાનદાર કલેક્શન મેકર્સ, સ્ટારકાસ્ટ અને ફેન્સ માટે કોઈ મોટી ટ્રીટથી ઓછું નથી. 22 વર્ષ બાદ સનીની ફિલ્મને જે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે તે પ્રશંસનીય છે. સનીની આ ફિલ્મ સૌથી ઝડપી 200 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અન્ય બ્લોકબસ્ટર ફિલ્મોની સરખામણીમાં પઠાણે 4 દિવસમાં 212.5 કરોડની કમાણી કરી હતી. KGF 2 (હિન્દી) એ 5 દિવસમાં 229 કરોડની કમાણી કરી હતી. જ્યારે બાહુબલી-2 એ 6 દિવસમાં 224 કરોડની કમાણી કરી હતી.

ગદર 2 સની દેઓલની કારકિર્દી માટે સંજીવની તરીકે આવી છે જેઓ ઘણા વર્ષોથી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપી રહ્યા હતા ત્યારે ગદર-2ની બ્લોકબાસ્ટર કમાણીનાં કારણે તેઓને રાહત મળી છે. ગદર-2એ 200 કરોડની કમાણી કરનાર સનીની પહેલી ફિલ્મ છે. સની દેઓલની આ ફિલ્મ 2023ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની લાઇનમાં છે. હાલ પ્રથમ રેન્ક ‘ધ કેરળ સ્ટોરી’નો છે, જેનું કલેક્શન 242 કરોડ છે. ગદર 2ની તાજેતરની કમાણી જોતાં આ આંકડો પાર કરવો એકદમ સરળ લાગે છે.

Most Popular

To Top