અમદાવાદ,
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે પરંપરાગત રાજકારણથી હટીને પાયાના અને સામાન્ય વર્ગના લોકોને પ્રતિનિધિત્વ આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રિક્ષાચાલક અને પટાવાળાને ટિકિટ આપ્યા બાદ, હવે કોંગ્રેસે પણ અમદાવાદમાં એક અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલા કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
સંઘર્ષથી સત્તાના જંગ સુધી : આશાબેન દંતાણી
અમદાવાદ મનપાના શાહપુર વોર્ડમાંથી કોંગ્રેસે આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવ્યા છે. આશાબેનની વિશેષતા એ છે કે તેઓ કોઈ મોટા રાજકીય પરિવારમાંથી આવતા નથી, પરંતુ અમદાવાદની વર્ષો જૂની ‘રવિવારી બજાર’ (ગુજરી બજાર)માં પાથરણું પાથરીને સામાન વેચે છે. આજે રવિવાર હોવાથી, જ્યારે અન્ય ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત હતા, ત્યારે આશાબેન બજારમાં પોતાનો રોજગાર કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પાર્ટીનો વ્યૂહ: “જનતા સાથે સીધો સંપર્ક”
સામાન્ય રીતે રાજકારણમાં પ્રભાવશાળી અને આર્થિક રીતે સક્ષમ નેતાઓને પ્રાધાન્ય મળતું હોય છે, પરંતુ કોંગ્રેસે આશાબેનને તક આપીને એવો સંદેશ આપ્યો છે કે પક્ષ સામાન્ય માણસની પડખે છે. આશાબેન વર્ષોથી સંઘર્ષ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેથી તેઓ નાના વેપારીઓ અને શ્રમિક વર્ગના પ્રશ્નોને વધુ સારી રીતે સમજી શકે છે તેમ પક્ષનું માનવું છે.
આશાબેન દંતાણીએ કહે છે કે ,જો તેઓ ચૂંટાઈ આવશે, તો તેમનું મુખ્ય ધ્યાન શાહપુર વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે,
- રસ્તા, પાણી અને ડ્રેનેજની સફાઈ.
- નાના પાથરણાવાળા અને ફેરિયાઓના રોજગારના પ્રશ્નો.
- મધ્યમ અને ગરીબ વર્ગની રોજિંદી મુશ્કેલીઓનો ઉકેલ.
આશાબેનની ઉમેદવારીથી શાહપુર વિસ્તારના સામાન્ય મતદારોમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક બાજુ ગ્લેમર અને અનુભવી નેતાઓ છે, તો બીજી બાજુ આશાબેન જેવા જમીની કાર્યકર છે. હવે જોવાનું એ રહેશે કે શાહપુરની જનતા આ ‘પાથરણાવાળા ઉમેદવાર’ પર કેટલો ભરોસો મૂકે છે.