Business

ભારત અને ચાર યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર લાગુ, ઘણા ઉત્પાદનો થશે સસ્તા

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) તા.1 ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે. આ કરારથી આગામી 15 વર્ષમાં ભારતમાં લગભગ $100 બિલિયન (રૂ. 8.86 લાખ કરોડ)નું રોકાણ આવશે અને 10 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાની આશા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ આ પગલું ભારતની વિદેશ વેપાર નીતિ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

EFTA સાથેનો પહેલો કરાર
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનમાં ચાર દેશોમાં સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇનનો સમાવેશ થાય છે. આ ચાર દેશો સાથે ભારતનો આ પહેલો મુક્ત વેપાર કરાર છે. કરાર હેઠળ EFTA એ ભારતની 99.6% નિકાસ પર ટેરિફ મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જે ભારતીય નિકાસકારો માટે મોટી રાહત ગણાય છે.

ભારતને શું મળશે ફાયદો?

  • આ કરારથી ભારતને અનેક ક્ષેત્રોમાં ફાયદો થશે.
  • આગામી 15 વર્ષમાં $100 બિલિયનનું રોકાણ.
  • આશરે 10 લાખ નવી નોકરીઓ.
  • એન્જિનિયરિંગ સામાન, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક જેવા ઉત્પાદનોને યુરોપિયન બજારમાં મોટી તક.
  • સેવાઓ ક્ષેત્રમાં પણ વૃદ્ધિ, ખાસ કરીને IT, શિક્ષણ, વ્યવસાય સેવાઓ અને ઑડિયો-વિઝ્યુઅલ ક્ષેત્રોમાં.
  • નર્સિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને આર્કિટેક્ચર જેવા વ્યવસાયોમાં ભારતીય પ્રોફેશનલ્સ માટે વધુ તકો.

કયા ઉત્પાદનો થશે સસ્તા?

FTAના અમલીકરણથી ભારતીય બજારમાં અનેક યુરોપિયન વસ્તુઓ સસ્તી મળશે. ખાસ કરીને સ્વિસ વાઇન, ચોકલેટ, કપડાં, બિસ્કિટ, દ્રાક્ષ, સૂકા ફળો, શાકભાજી, કોફી અને ઘડિયાળ જેવી વસ્તુઓ હવે ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. જો કે સોનાની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે ભારતની EFTAમાંથી આવતી 80%થી વધુ આયાત સોનાની જ છે.

કયા ક્ષેત્રો રહેશે સુરક્ષિત?
ભારતે કેટલીક વસ્તુઓને આ કરારમાંથી બહાર રાખી છે. તેમાં ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો, ડેરી પ્રોડક્ટ્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ, સોયા, કોલસો અને કેટલાક કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં ભારતે પોતાના હિતોને સુરક્ષિત રાખ્યા છે.

પીયૂષ ગોયલનો અભિપ્રાય
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારત હવે આત્મવિશ્વાસ સાથે વધુ મોટા વેપાર કરારો તરફ આગળ વધી રહ્યું છે. EFTA કરાર ભારત માટે એક નવી દિશા છે અને તે યુરોપિયન યુનિયન સાથેના ભવિષ્યના કરારો માટે પણ માર્ગ તૈયાર કરશે.

અત્યાર સુધી કેટલા FTA?
ભારતે અત્યાર સુધીમાં 16 દેશો અને સંગઠનો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે, જેમાં શ્રીલંકા, ભૂટાન, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, UAE, UK અને ASEAN સામેલ છે. 2014 પછી ભારતે મોરેશિયસ, યુએઈ, ઓસ્ટ્રેલિયા, EFTA અને યુકે સાથે નવા કરારો કર્યા છે.

આમ, EFTA સાથેનો કરાર ભારતના નિકાસકારો, રોકાણકારો અને ગ્રાહકો સૌ માટે લાભદાયક સાબિત થશે. હવે ભારતીય બજારમાં ઘણા યુરોપિયન ઉત્પાદનો સસ્તા મળશે અને દેશની અર્થવ્યવસ્થાને નવો વેગ મળશે.

Most Popular

To Top