Comments

મહિલાઓને મફત રેવડી રાજકીય સફળતાનો રાઝ

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને રોકડ સહાય આપવાનો રાજકીય ટ્રેન્ડ શરૂ થયો છે એ રાજકીય સફળતા તો જરૂર અપાવે છે પણ જે તે રાજ્ય માટે આર્થિક બોજ પણ બને છે. એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતને મફતની રેવડી કહી હતી પણ હવે ભાજપ હોય કે અન્ય પક્ષો કોઈ પણ ચૂંટણીમાં મહિલાઓને રોકડ સહાય આપવાની જાહેરાત જરૂર કરે છે. બિહારનાં પરિણામોમાં આની અસર જરૂર જોવા મળી છે.

આ યોજનાનો એક ફાયદો એ પણ થયો છે કે, મહિલા મતદાનમાં સત્તાવધારો જોવા મળી રહ્યો છે. કદાચ એની શરૂઆત પણ મોદીએ કરી હતી. જ્યારે મહિલાઓને રાંધણ ગેસ આપવાની યોજના બની, પહેલું સીલીન્ડર મફત અપાયું અને એની અસર યુપીમાં વધુ જોવા મળી. મહિલાને ચુલા ફૂંકવામાંથી આઝાદી મળે એ માટે આ યોજના જાહેર થઇ હતી અને એના કારણે ભાજપને સારો એવો ફાયદો પણ થયો હતો.

એ મફત સીલીન્ડરે જાણે હવે રોકડ સહાયનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આજે ૧૨ રાજ્યોમાં આવી યોજનાઓ ચાલે છે. લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ (જેમ કે શાળાઓ કે હોસ્પિટલો સુધારવા) કરતાં રોકડ ટ્રાન્સફરનો લાભ તાત્કાલિક અને સ્પષ્ટ દેખાય છે. બેંક ખાતામાં નિયમિત જમા થતી રકમ લાભાર્થીઓને શાસક પક્ષના સમર્થનની યાદ અપાવે છે અને એ રીતે મહિલા વોટ બેંક તૈયાર થાય છે.  વિવિધ રાજકીય પક્ષો એકબીજાની નકલ કરીને અથવા વધુ લાભની જાહેરાત કરીને ‘ફ્રીબીઝ’ (મફત લાભ) ની રાજકીય સ્પર્ધામાં ઊતરે છે. ભારતનાં લગભગ 12 રાજ્યો મહિલાઓ માટે બિનશરતી રોકડ ટ્રાન્સફર યોજનાઓ ચલાવી રહ્યાં છે, જેમ કે, મધ્યપ્રદેશમાં લાડલી બહના યોજના તળે રૂ. ૧૨૫૦ અપાય છે અને એ વધારવામાં આવી રહી છે.

કર્ણાટકમાં ગૃહલક્ષ્મી યોજના તળે રૂ. ૨૦૦૦ આપવામાં આવે છે. તમિલનાડુ અને પ. બંગાળમાં રૂ. ૧૦૦૦ આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ રકમ રૂ. ૧૫૦૦ છે. ઓડીસામાં મહિલાઓને રૂ. ૧૦,૦૦૦ આપવાની યોજના છે, એવું જ બિહારમાં થયું છે અને ચૂંટણી પહેલાં જ એ રકમ મહિલાઓના ખાતામાં જમા થઇ ગઈ. નીતીશકુમારની બગડતી ઈમેજને આ કારણે ફાયદો થયાનું અનુમાન છે. આમ તો વ્યવસાય કરવા માટે આ મદદ અપાઈ છે અને એની અસર જોવા મળી છે. જો કે, આરજેડી દ્વારા વધુ રકમ અપાશે એવી પણ જાહેરાત થઇ હતી.

પણ આ કારણે સરકારની તિજોરી પર કેટલો બોજો પડે છે એની કોઈ પરવા કરતું નથી. બિહાર અને ઓડીસામાં વ્યવસાય માટે અપાતી આ રકમ પાછી વાળવાની નથી અને વ્યવસાય શરૂ થયો એ કોણ જોવા જવાનું છે. જો મહિલાઓ સાચે જ તેમના વ્યવસાયનો વિસ્તાર કરવા માંગે છે, તો તેમને રૂ. 2 લાખ સુધીની વધારાની નાણાંકીય સહાય પણ મળી શકે છે. મહિલા સશક્તિકરણનો હેતુ છે પણ શરતો નથી હોતો અને આર્થિક બોજ પડે છે એ રાજ્ય જીરવી શકતું નથી. ઘણાં બધાં રાજ્યોમાં આવું બન્યું છે એનું કારણ એ છે કે, આ યોજનાઓ માટે મોટી રકમ ફાળવવા માટે, રાજ્ય સરકારોએ અન્ય ક્ષેત્રોના ખર્ચમાં કાપ મૂકવો પડે છે.

ખાસ કરીને મૂડી ખર્ચ એટલે કે રસ્તા, પુલ, હોસ્પિટલો અને શાળાઓ જેવા લાંબા ગાળાના વિકાસના પ્રોજેક્ટ્સનું ભંડોળ ઘણી વાર ઘટાડી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કર્ણાટકમાં પાંચ ‘ગેરંટી’ યોજનાઓ માટે નાણાંકીય વર્ષ 2025-26માં કુલ આશરે રૂ. 51,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જે રાજ્યના કુલ બજેટનો મોટો હિસ્સો છે. વધતા ખર્ચને પહોંચી વળવા માટે, રાજ્યો ઘણી વાર વધારાનું દેવું લે છે અથવા રાજકોષીય ખાદ્ય વધારે છે. આવી યોજના રાજ્યની આર્થિક તબિયત બગાડે છે અને આખરે તો એ રાજ્યના વિકાસને અસર કરે છે. પણ આ યોજનાઓ બંધ થાય એવી દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી કારણ કે, રાજકારણીઓને આ યોજના થકી સત્તાનાં દ્વાર ખૂલતાં જોવા મળે છે.

મહારાષ્ટ્રમાં ભાજપને શિંદેનો વિકલ્પ મળી ગયો
મહારાષ્ટ્રમાં ભાજપે પહેલાં શિવસેના અને પછી એનસીપી તોડી સરકાર તો બનાવી લીધી પણ આંતરિક મુશ્કેલીઓ વધતી જાય છે અને એમાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માથે છે. એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે બધું બરાબર ચાલતું નથી. એનસીપીનાં કેટલાક નેતાઓ પણ નારાજ છે. કોઈ ને કોઈ સમસ્યા આવતી રહે છે અને સામે પક્ષે ઉધ્ધવ અને રાજ ઠાકરે એક થઇ આ ચૂંટણી લડવાના છે. જો કે, કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે એટલે એમવીએમાં પણ સમસ્યા ઘણી છે.

પણ ભાજપ એકનાથ શિંદેથી થાક્યો છે અને એ એનો વિકલ્પ શોધી રહ્યો છે અને કદાચ એમની શોધ પૂરી થઇ છે અને એ વિકલ્પ છે ગણેશ નાયક. નાયક પણ મૂળે તો શિવસેનાના સૈનિક છે. બાળ ઠાકરે હતા ત્યારે એ ત્યાં હતા અને ધારાસભ્ય બની મનોહર જોષીની સરકારમાં મંત્રી પણ બનેલા પણ જોશી અને બાળ ઠાકરે સાથે અનબન થઇ અને આખરે એમને સરકારમાંથી પડતા મૂકવામાં આવેલા અને બાદમાં એમણે થાણેમાં પોતાની પાર્ટી ઊભી કરી. પછી એનસીપીમાં ગયા ત્યાં ચૂંટાયા ને મંત્રી પણ બન્યા. પછી હાર્યા તો ભાજપમાં ગયા અને આજે દેવેન્દ્ર સરકારમાં વન મંત્રી છે. એ હમણાં ચર્ચામાં એટલે છે કે, એમને ભાજપે સાત જિલ્લામાં પ્રભારી બનાવ્યા છે.

એમ માનવામાં આવે છે કે, નાયક દિગ્ગજો સામે ઓળ્યા છે અને સફળ થયા છે અને એમનો યુવા ને મજૂર વર્ગમાં પ્રભાવ છે. ગુજરાતીઓ પણ એમને ચાહે છે એટલે ભાજપ એમને આગળ કરી રહ્યા છે. ખાસ કરીને શિંદેની જોહુકમીથી ભાજપ થાક્યો છે પણ શિંદે પાસે શિવસેનાની મતબેંક છે. ભાજપ નાયકને એમની સામે મૂકી એ વોટ બેંક તોડી અને એમાંથી કેટલોક હિસ્સો પોતા તરફ લાવવા માગે છે. હવે એ એમાં કેટલો સફળ થાય છે એ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી ખ્યાલ આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top