Vadodara

FRC દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધુ પૈસા પડાવતી ભાયલી રોડની વિબગ્યોર શાળાને ફી પરત કરવા આદેશ



( પ્રતિનિધિ ) વડોદરા તા.29

મધ્યગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધુ પૈસા પડાવતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને વાલીઓ પાસેથી નક્કી કરવામાં આવેલી કરતા વધુ લીધેલા પૈસા તથા વૈકલ્પિક ફી ના નામે લીધેલા પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. શાળાએ વધારાના લીધેલા પૈસા પરત કરવા માટે 30 દિવસની મહોલત આપવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

વડોદરાના ભાયલી રોડ પર આવેલી વિબગ્યોર ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણતા 15 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ વર્ષ 2017 – 18 થી એફઆરસી દ્વારા નિર્ધારીત કરતા વધુ ફી લેવા અંગે ફરિયાદ કરી હતી. શાળા દ્વારા વૈકલ્પિક ફીના નામે પણ નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 – 24 માં આ શાળા પાસે સીબીએસઇના વર્ગોની મંજુરી ન હતી, અને તેમણે નવી ફી એફઆરસી સમક્ષ મંજૂર પણ કરાવી ન હતી. આ ફરિયાદો સામે તાજેતરમાં એફઆરસી કમિટી દ્વારા કડક આદેશો આપવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એફઆરસી કમિટીને વ્યાપક ફરિયાદો મળ્યા બાદ આ અંગેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાલીઓ તરફે ચુકાદો સામે આવ્યો છે. શાળાએ વર્ષ 2017 થી 2024 સુધીમાં જેટલી પણ વધુ ફી વાલીઓ પાસેથી વસુલી છે, તેને પરત કરવી પડશે. દરમિયાન જો કોઇ વિદ્યાર્થી શાળા છોડીને અન્યત્રે ભણવા ગયો હશે, તો તેવા કિસ્સામાં વાલીના બેંક એકાઉન્ટમાં 30 દિવસમાં ફી જમા કરાવવા અંગે જણાવાયું છે. આ સાથે જ વૈકલ્પિક ફી પેટે લીધેલા નાણાં પણ પરત કરવા પડશે. એફઆરસી કમિટી દ્વારા નક્કી કરેલા ફી માળખા કરતા વાલીઓ પાસેથી વધુ પૈસા લેવામાં આવતા કડક અને સૌથી મોટી કાર્યવાહી કરતા સંચાલકોને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. જેને 30 દિવસમાં જમા કરાવવાની રહેશે. હાલ વેકેશન ચાલી રહ્યું છે. આવનાર સમયમાં અન્ય શાળા સંચાલકો નિયમો વિરૂદ્ધ જતા પહેલા વિચારશે તે નક્કી છે.

Most Popular

To Top